આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સુધારો અને રાજ્યવિષયક સુધારો.”

આપણા પ્રાચીન ઋષિઓએ સર્વે વસ્તુઓમાંથી ધર્મનેજ વધારે પસંદ કરેલો છે. આ પસંદગી ઉત્તમમાં ઉત્તમ છે. છતાં ધારો કે તે ખોટી છે, તો પણ તે સદાને માટે કરવામાં આવેલી હોવાથી અને હવે તેને આપણે ફેરવી શકીએ તેમ નથી. ફેરવીએ તો ઘણું જ નુકશાન-પ્રજાનું મૃત્યુજ થાય. સ્વામીજીએ જોયું કે ગમે તેવી અધમ સ્થિતિમાં આવી પડવા છતાં હિંદુ પ્રજા હજી પણ તેના અસલી ધાર્મિક આદર્શોને વળગી રહેલી છે. હજી પણ હિંદુઓનાં હૃદય સીતા-રામ, ઉમા-મહેશ્વર અને રાધા-કૃષ્ણનાં નામથી હર્ષઘેલાં બની જાય છે. હજી પણ તેમનાંજ ચારિત્ર્યથી તેમનું જીવન ઘડાય છે અને પ્રેરાય છે. એ પ્રાતઃસ્મરણીય નામના ઉચ્ચારણથી હજી પણ હિંદુ પ્રજા જીવનમાં દિલાસો મેળવે છે. હિંદુ પ્રજાના એ ભાવ, એ શ્રદ્ધા અને એ ભક્તિને પુનઃ સજીવન કરવાને માટે તેમણે ધર્મને નવીજ રીતે સમજાવવા માંડ્યો. તેઓ ચુસ્ત વેદાંતી હતા, પણ તેમનું વેદાન્ત ઘણુંજ વ્યાવહારિક હતું. ભારતવાસીઓ ફકત ઈશ્વર સંબંધી વિચારસૃષ્ટિમાંજ-કલ્પનામાંજ-વિચરનારા તત્વજ્ઞાનીઓ થાય એમ સ્વામીજી ઇચ્છતા ન હતા. તેઓ પ્રભુપ્રેમી, જનપ્રેમી અને બાહુબળવાળા વ્યાવહારિક મનુષ્યો બને એમજ તે ઇચ્છતા હતા, તેમનું વેદાન્ત નૈતિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિનું પ્રેરક હતું; કોઈપણ જાતના અંતિમ હેતુ વગરના અને ખાલી બુદ્ધિવિલાસના સૂક્ષ્મ વાદવિવાદોમાં તે સમાઇ રહેલું ન હતું. તે અત્યંત વિશાળ અને સર્વસામાન્ય સિદ્ધાંતોને પ્રકટ કરતું હતું. સર્વ ધર્મ, ન્યાત, જાત અને પંથના તથા ભિન્ન ભિન્ન બુદ્ધિવાળા મનુષ્યોને સરલતાથી સમજાય તેવું તે વિશાળ અને સાદું હતું. કોઈપણ જાતના દુરાગ્રહથી ભરેલો કે અમુક પંથને લગતો એકદેશી સિદ્ધાંત તેમાં જોવામાં આવતો નહિ. પ્રેમસહિષ્ણુતા-મેળાપ