આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સિદ્ધાંતોને કૃતિમાં મૂકવાનું અને તનતોડીને જનસમૂહની સેવા કરવાનું કહ્યું છે અને રાજદ્વારી નેતાઓને તેમણે આધ્યાત્મિકતાના સિદ્ધાંતોને અનુસરીને કાર્ય કરવાનું સૂચવ્યું છે, કારણકે સ્વામીજી દૃઢપણે માનતા હતા કે અદ્વૈતવાદના સિદ્ધાંત પ્રમાણે કામ કરવાથીજ મનુષ્યો સ્થિર મનના અને પ્રમાણિક બનીને ચીવટપણે પોતાના કાર્યને વળગી રહેશે. આ પ્રમાણે સ્વામીજીનું વેદાન્ત મનુષ્યના આધ્યાત્મિક વિકાસ અને બુદ્ધિવિષયક સમાધાનને માટે હતું, એટલું જ નહિ પણ તે માનવજાતિનું દુઃખ ટાળવાને અને સંસારની આફતો સામે મનુષ્યને ધૈર્યવાન બનાવવાને માટે પણ હતું.

સ્વામીજીએ જોયું હતું કે હિંદમાં શાસ્ત્રોરૂપી અમૂલ્ય ખજાનો ભરેલો છે. પણ મનુષ્યો તેનો ઉપયોગ ન કરે તો પછી એ શા કામનો? એની સાથે આ વાત પણ તેઓ સારી પેઠે જાણતા હતા કે મનુષ્યને પુરતાં અન્નવસ્ત્ર મળે તોજ તેની બુદ્ધિનો અને આત્માનો વિકાસ કરી શકાય. જે દેશમાં મનુષ્યો અર્ધા ભૂખ્યા રહે અને તેમનું મન તથા શરીર સદાએ એ ભુખમરો ટાળવાના ઉપાયોમાંજ રોકાઇ રહેતું હોય, તે દેશમાં તે આધ્યાત્મિક વિકાસ શી રીતે હોઈ શકે ? જ્ઞાનને માટે આપણને અવકાશ અને અનુભવની જરૂર છે. અનુભવને માટે કાર્ય કરવાની જરૂર છે અને કાર્ય કરવા માટે ખોરાક અને તંદુરસ્તીની જરૂર છે.

એ કારણને લીધેજ સ્વામીજીએ કર્મયોગ-સમાજસેવાનો શ્રેષ્ઠ માર્ગ સૌને બતાવ્યો છે. તેઓ પોતે પણ છેવટ સુધી તેજ કાર્યમાં પ્રવૃત્ત રહ્યા છે. રાત અને દિવસ એજ કાર્ય તે કરતા અને કહેતા કે “મારું જીવન મારી માતૃભૂમિને અર્પણ કરેલું છે અને જો મારે એક હજાર અવતાર લેવા પડશે તો તે અવતારની પણ દરેક ક્ષણ, મારા મિત્રો ! હું તમારીજ સેવામાં અર્પણ કરીશ.” દેશમાં