આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

સ્વામી વિવેકાનંદને અનેક ગુણો તેમજ શરીર પણ પરમેશ્વરે એવું આપ્યું હતું કે, એમને જોતાંજ બીજાના મનમાં શ્રદ્ધા-ભક્તિ ઉત્પન્ન થતી. એમનો કદાવર બાંધો, સૌમ્ય, તેજસ્વી અને વિશાળ નેત્રો, ભવ્ય લલાટ, ગંભીર અને વિચારવંત ચ્હેરો, વગેરે જોતાં કોઈ મહાપુરૂષની પાસેજ ઉભા છીએ એવું ભાન મનુષ્યને થઈ આવતું.

તેમની સાથે વાત કરવાને અને તેમના સહવાસમાં આવવાને જે ભાગ્યશાળી થયેલા છે તેઓજ ફક્ત જાણે છે કે તેમની વાણી કેવી કોમળ, પ્રેમાળ અને સંગીતમય હતી. એ વાણીથી સર્વ કોઈ આકર્ષાતું અને તેમનો બાળક જેવો સાદો-ભોળો સ્વભાવ જોઈને તેમની સાથે એકદમ ભળી જતું.

તેમના સ્વદેશી પોશાક જોઇને પરદેશી પોશાકમાં સજ્જ થયેલા હિંદી જેંટલમેનો શરમાતા અને સ્વદેશી પોશાકથી સુશિક્ષિતપણામાં તથા સૌંદર્ય કે આબરૂમાં ખામી આવી જતી નથી એમ તેમની ખાત્રી થઇ જતી. સ્વામીજી બચપણથીજ બૂટ, સૂટ અને હૅટને નાપસંદ કરતા અને વાળને ચોળી ઓળીને ટાપટીપ કરનારને તે બાયલોજ ગણતા. કપડાં પહેરતાં કે પોશાકમાં સજ્જ થતાં કોઈ મિત્રને જરા વધારે વાર લાગતી તો સ્વામીજી તેને ઠપકો આપતા અને તેની ટાપટીપને વખોડી કહાડતા. એમનો એ સ્વભાવ છેવટ સુધી કાયમ રહ્યો હતો: છેવટ સુધી એમનું એનું એજ નિર્મળ સાદું જીવન ટકી રહેલું જોવામાં આવતું હતું. સ્વામીજી નિર્મળ અને સાદા જીવનને માટે ગર્વ ધરતા. નિવેદિતા લખે છે કે:- “સ્વામીજી પોતાના પાશ્ચાત્ય શિષ્યોને હાથ વડેજ ખાવાનું અને હિંદુ જીવનનાં સામાન્ય કાર્યો પણ જાતેજ કરવાનું શિખવતા. તે કહેતા કે તમે જો ભારતવર્ષને ચ્હાતા હો તો તમારે એને તે જેવું છે તેવુંજ ગ્રહીને ચ્હાવું જોઇએ અને નહિ કે તમારી મરજી પ્રમાણેની તેની ભાવી સ્થિતિનો વિચાર કરીને. એ