આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


ઘણા લોકો વિસ્મય પામતા. તેમને એમજ થતું કે એકજ વ્યક્તિમાં ટોળ અને જ્ઞાનનું ગાંભીર્ય બંને શી રીતે હોઈ શકે ? સ્વામીજીનો ટોળ સદાએ નિર્દોષ હતો. ગમ્મતની ખાતરજ તે ગમ્મત કરતા. સચ્ચિદાનંદ -બ્રહ્માનંદમાં રમમાણ થઇ રહેનાર સ્વામીજીને મન સર્વત્ર આનંદજ વ્યાપેલો લાગતો અને એ આનંદનો સ્થૂલ આવિર્ભાવ ક્વચિત ક્વચિત ટોળમાં પણ થઈ જતો. પશ્ચિમમાં એક સ્ત્રીએ તેમને પૂછ્યું હતું કે “હિંદુ સ્ત્રીઓ બાળકોને ગંગામાં ફેંકી દે છે, એ વાત ખરી કે ?” સ્વામીજીએ હસતે મુખે તેને જવાબ આપ્યો હતો કે “હા, ખરી વાત. મને પણ ગંગામાં ફેંકી દેવામાં આવ્યો હતો, પણ હું તો એવો જબરો કે તરીને બહાર નીકળી આવ્યો અને જુઓ આ તમારી આગળ ઉભો છું !” એમ કહીને તે ખડખડ હસી પડ્યા હતા.

ભાષણકર્તા તરિકે પણ સ્વામીજી અસાધારણ યોગ્યતા દર્શાવતા. બીજા ભાષણકર્તાઓ કરે છે તેમ તે કોઈપણ દિવસ વિષયની નોંધ પહેલેથી કરી રાખતા નહિ. તેમને અરજ કરવામાં આવે કે તરતજ તે કોઈપણ વિષય ઉપર ભાષણ આપતા અને તેમાં કોઈ વખત પણ પુનરૂક્તિનો દોષ આવતો નહિ. હમેશાં તે કંઇને કંઇ નવુંજ કહેતા. ભાષણ થઈ રહ્યા પછી સવાલો પૂછવાની તે છુટ આપતા. એકવાર સભામાં તેમને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા, તેથી એક મનુષ્ય કંટાળો આણીને સૌને તેમ નહિ કરવાને કહ્યું, પણ સ્વામીજીએ પોતાના ગમતી સ્વભાવથી હસતે મુખે જવાબ આપ્યો કે “તમારે જેટલા પૂછવા હોય તેટલા પ્રશ્નો પૂછો; જેમ વધારે પૂછશો તેમ વધારે સારું. હું તેને માટેજ અહીં ઉભો છું, તમે બરાબર સમજશો નહિ ત્યાં સુધી હું પણ તમને જવા દઈશ નહિ.” એ સાંભળીને સભામાં ઘણી જ હસાહસ થઈ રહી. જે વિષય લે તે શ્રોતાઓને બરાબર સમજાય એ એમનું કાર્ય હતું. એ કાર્યમાં એમના જેટલો વિજય