આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સાધનાઓ અને આત્માનુભવો; પૂર્વ અને પશ્ચિમના તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, અને સંસ્કૃત વિદ્યાનું સંપૂર્ણ જ્ઞાન; શાસ્ત્રીય સિદ્ધાંતોના દૃષ્ટાંતરૂપે અને નવજીવનના ઉત્તેજક તરિકે તેમની સમક્ષ ગળાતું શ્રીરામકૃષ્ણ પરમહંસનું અતિ પવિત્ર જીવન; ભારતવર્ષમાં સ્વામીજીનું પર્યટણ અને હિંદની પ્રાચીન ભાવનાઓ તથા ઉજ્વલ્ કીર્તિની સાથે તેની આધુનિક ભાવનાઓ અને સ્થિતિની તુલના; ભારતવર્ષના લોકોનું જીવન, વિચાર, આકાંક્ષાઓ, શક્તિઓ, ધર્મો અને રીતરિવાજોનું બારીક અવલોકન; રાજાઓ, મહારાજાઓ, સાધુઓ, સંતો, ગરિબો, રાજકુંવરો, પંડિતો અને અભણ ગામડીયાઓ સાથે ભળી હિંદના સમગ્ર જીવનનું સૂક્ષ્મ નિરીક્ષણ અને શ્રી રામકૃષ્ણમાં હિંદના એ સમગ્ર જીવનનું લઘુસૃષ્ટિરૂપે દર્શન, એ સર્વેએ-ટુંકામાં કહીએ તો શાસ્ત્ર, ગુરૂ અને માતૃભૂમિના બારીક અભ્યાસે અને તેમના પ્રબળ આત્મસંયમે સ્વામી વિવેકાનંદના ચારિત્ર્યને એવું અડગ અને ભવ્ય બનાવ્યું હતું. પૂર્વની કોઈ અસામાન્ય ભાવનાઓ તથા પુણ્યકર્મોએ તેમને સુદૃઢ શરીર, આદર્શ માતા અને પવિત્ર પિતાને ત્યાં જન્મ આપીને તેમજ શ્રી રામકૃષ્ણ જેવાના સમાગમમાં લાવીને તેમનો માર્ગ સુગમ કરી આપ્યો હતો.

સ્વામીજીએ જગતને વેદાન્તનો જે ઉપદેશ કરેલો છે તેની પાછળ તેમનો આત્માનુભવ યાને પરમાત્મ સાક્ષાત્કાર રહેલો હતો; તેથીજ તે બોધ અસામાન્ય જુસ્સાથી અને ખાત્રીથી બહાર આવતો હતો. એકવાર મદ્રાસમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે "દ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને અદ્વૈત વચ્ચે તો એટલો મોટો મતભેદ છે કે શંકર, રામાનુજ અને મધ્વ જેવા આચાર્યોએ એકના એકજ શબ્દોના અર્થ મરડી મચડીને જુદો જુદો કરેલો છે, તેથી તમે એ ત્રણે વાદની એકવાક્યતા શી રીતે કરશો ?”

સ્વામીજીના મુખમાંથી આનો ચોકસ જવાબ તરતજ બહાર આવ્યો કે “તે કામ મારેજ માટે રહેવા દેવામાં આવેલું”