આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭૭
ઉપસંહાર.


સભાઓમાં માત્ર દ્રવ્યબળથી, સત્તાબળથી કે વાણીના બળથી મોટી મોટી ખુરસીઓ પર ચઢી બેસી અજ્ઞાન લોકવર્ગને આંજ્યા કરનારાઓને તેમણે પોતાનાં દૃષ્ટાંતથી દર્શાવ્યું છે કે હિંદના નેતાઓ કેવા ચારિત્ર્યશીલ, કેવા સ્વાર્થ ત્યાગી, કેવા સાદા અને કેવા ધર્મપરાયણ હોવા જોઇએ. માત્ર વિચારોમાંજ કે શબ્દોમાંજ વેદાંતને રાખી મૂકનારાઓને સ્વામીજી વેદાંતી કહેતા નહિ. જેણે વેદાંતનાં સત્યને અનુભવ્યાં હોય અને કૃતિમાં મૂક્યાં હોય તેનેજ સ્વામીજી ખરા વેદાંતી ગણતા. સ્વામીજીના બોધને પ્રતાપે વેદાંત હવે વિદ્યાર્થીઓની ગોખણપટ્ટીમાં કે માત્ર પંડિતોના વાદવિવાદમાં રહી ગયું નથી, પણ તેણે વ્યવહારિક સ્વરૂપ ધારણ કરેલું છે અને તે પરોપકારનાં-સમાજસેવાનાં અનેકવિધ કાર્યોમાં દૃશ્યમાન થતું જાય છે. સ્વામીજીના જીવને દર્શાવી આપ્યું છે કે ખરો વેદાંતી આળસુ અને સ્વપ્નાં જોયા કરનારો હોતો નથી. તે તો જનસમૂહની સેવા કરનારો, વધારે જુસ્સાવાળો છતાં વધારે સાદો, વધારે બળ અને ધૈર્યને ધારણ કરવાવાળો છતાં વધારે શાંત અને સાત્વિક, વધારે શક્તિ દર્શાવનારો છતાં વધારે ક્ષમાશીલ અને વધારે સહનશીલ, પ્રમાણિકોમાં વધારે પ્રમાણિક અને એ સઘળું છતાં જગત પાસેથી ઓછામાં ઓછાં અન્ન વસ્ત્રને મેળવનારો હોય છે. સ્વામીજીએ પાતાના દૃષ્ટાંતથી એ સર્વ જગતના મનમાં ઠસાવ્યું છે. આ રીતે તેમણે સર્વેને જ “પ્રેમ અને સામર્થ્ય”નો ઉત્તમ આદેશ આપેલો છે. પરસ્પર પ્રેમથી વર્તો અને સામર્થ્ય ધરો, એમ તેમણે સર્વદા કહેલું છે. પોતાના ભાષણોમાં અદ્વૈતવાદના આ એક મુખ્ય સિદ્ધાંતને તેમણે વારંવાર સમજાવ્યા કર્યો છે કે એકજ આત્મા સર્વેમાં વ્યાપી રહેલો છે; અને તેજ સઘળી શક્તિઓ અને પવિત્રતાનું મૂળ છે. સ્વામીજીને મન ઉપનિષદો સામર્થ્યની ખાણો હતી