આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

 ભારતવર્ષમાં વસ્તીના પ્રમાણમાં ઘણાજ થોડા છે. હવે એવી અસામાન્ય ઉચ્ચતા જેમનામાં આવેલી નથી એવા કરોડો સામાન્ય મનુષ્યો કે જેમને એ ઉન્નતિએ પહોંચવા પહેલાં વચમાં કેટલાંક પગથીયાં ચઢવાનાં બાકી છે, તેવા ઘણા મોટા જનસમૂહ માટે શું ? તેમને માટે આદર્શો બતાવતાં તેમણે કહ્યું છે કે “આદર્શ પુરૂષ તો તેજ છે કે જે પુષ્કળ પ્રવૃત્તિમાં પણ અરણ્યનો એકાન્ત વાસ અને શાંતિ ભોગવી રહેલો છે.” ટુંકામાં કહીએ તો “નિષ્કામ કર્મોથી આત્માનો સાક્ષાત્કાર કરવો.” એજ આદર્શ સ્વામીજીએ સર્વ સામાન્ય ભારતવાસીઓ આગળ મૂકેલો છે અને કૃતકૃત્ય છતાં પણ એજ માર્ગે લોક સંગ્રહાર્થે જીવન ગાળીને એ આદર્શની વ્યવહારિક્તા અને ઉપયોગિતા તેમણે દર્શાવી આપી છે.

તેમણે દર્શાવી આપ્યું છે કે માનવજીવન ગાળવાના બે મુખ્ય માર્ગોમાંથી ગમે તે એકજ માર્ગને પકડી શકશો. એક તો ઈંદ્રિય સુખને માટેજ જીવવું અને બીજું ઉચ્ચ આદર્શો માટે જીવવું. પ્રથમ માર્ગમાં પ્રજાની પાયમાલી છે અને દ્વિતીય ભાગમાં શુભકર્મોનું અનુષ્ઠાન અને જીવનની નિત્યતા રહેલાં છે. પૂર્વ અને પશ્ચિમ બંનેએ કબુલ કરેલું છે કે મનુષ્હ્યોએ શ્રેષ્ઠ આદર્શને માટેજ જીવવું અને એ આદર્શને પૂર્ણ કરવામાંજ સમગ્ર જીવનને વ્યતીત કરવું. એ શ્રેષ્ઠ આદર્શ કયું ? અને જીવનને તેની પાછળજ ગાળેલું ક્યારે કહેવાય? શુભ કર્મો કયાં ગણાય ? વગેરે પ્રશ્નોના સંબંધમાં પશ્ચિમની પ્રજાઓ હજી અનિશ્ચિત જેવી છે, ત્યારે પૂર્વમાં–ખાસ કરીને ભારતવર્ષ માં એ બાબતોનો હજારો વર્ષ અગાઉ યથાવત્ નિર્ણય થઈ ચુકેલો છે. અહીં પરમાત્મ દર્શન યાને આત્મ સાક્ષાત્કારનેજ શ્રેષ્ઠ આદર્શ માનેલો છે અને નિષ્કામ કર્મ, પ્રભુ ભક્તિ, યોગ, જ્ઞાન આમાંના અનુકૂળ પડે તે તે રસ્તે ચાલીને એ આદર્શ ને સિદ્ધ કરવો એનું