આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


“જ્યારે તમારા પગ ઉપર તમારું શરીર ટટાર ઉભું રહેશે અને તમે મનુષ્ય છો એવું તમને લાગશે ત્યારેજ તમે ઉપનિષદો અને આત્માની કીર્તિને સારી રીતે સમજી શકશો.”

શારિરીક અને માનસિક દુર્બળતાને લીધે આપણે ખરેખર કીડા થઈ રહેલા છીએ અને જે કોઈ આપણને ચગદી નાખવા માગે છે તેના પગ આગળ આપણે જાણે પેટેજ ચાલ્યા કરીએ છીએ. તેથી કરીને મારા મિત્રો ! હું કે જે તમારામાંનો એક છું, તમારી સાથેજ જીવું છું અને મરીશ, તેને કહેવા દો કે —

આપણને બળની જરૂર છે; સદાએ બળની જરૂર છે.

વળી બીજે પ્રસંગે સ્વામીજીએ ભારતવાસીઓને કહ્યું હતું કે:— “સઘળું ફેકી દો; તમારા મોક્ષને પણ ફેંકી દો; જાઓ અને બીજાને મદદ કરો. તમે હમેશાં મોટી મોટી વાતો કરી છે, પણ અહીં આ વ્યાવહારીક વેદાન્ત તમારી સમક્ષ રહેલું છે તે શું કહે છે ? જો આખી પ્રજાને જીવન આપી શકાતું હોય તો હું, તમે કે આપણા જેવા હજારો મનુષ્યો ભુખે મરે અને કદાચ તેમને ખાતર પોતાનાં જીવન આપે તોપણુ શું? જરા જુઓ તો ખરા કે આપણે જે પ્રજાને એમ કહીએ છીએ કે આપણે બધા એકજ પરમાત્માનાં સ્વરૂપ છીએ, તે પ્રજા દિવસે દિવસે કેવી અધોગતિએ પહોંચતી જાય છે ? કારણ તેનું એજ છે કે બોલવા પ્રમાણે આપણું વર્તન જરાએ નથી. માટે ઉઠો, જાગ્રત થાઓ અને ખરેખરા સહૃદય બનો. તમારા મહાન પૂર્વજોના આદેશનું પાલન કરો અને તેમ કરીને તમે પણ મહાન બનો. વળી આપણી અપ્રમાણિક્તાની તો અવધિજ છે. અત્યારે જેની આપણને ઘણામાં ઘણી જરૂર છે તે ચારિત્ર્ય છે. જે ધૈર્ય અને ચારિત્ર વડે મનુષ્ય ભંયકર મૃત્યુની માફક એકજ સિદ્ધાંતને-સત્યને વળગી રહે છે, તેની આપણને જરૂર છે.