આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮૫
ઉપસંહાર.


કે તેમને ધાર્મિક ક્ષુધા લાગેલી છે. વિજ્ઞાનથી તેમના શરીરને પોષણ મળે છે, પણ તેમના આત્માને તેથી પોષણ મળતું નથી. ખ્રિસ્તી ધર્મ તેની જરૂરીઆતો પુરી પાડી શકતો નથી, કેમકે ભૌતિક વિજ્ઞાનશાસ્ત્રના સિદ્ધાંતો આગળ તે ટકી શકતો નથી. પરિણામે ત્યાં નાસ્તિકતા, અશ્રદ્ધા, જડવાદ અને વ્હેમજ પ્રસરી રહેલાં છે. તેમની વચમાં જે કેટલાંક સહૃદય અને બુદ્ધિશાળી સ્ત્રી પુરૂષો આધ્યાત્મિકતાને માટે તલસી રહેલાં છે તેમને માટે આર્ય તત્વજ્ઞાન મરતાને અમૃત મળે તેવું થઈ રહેલું છે, કેમકે તેના સિદ્ધાંતોને વિજ્ઞાનશાસ્ત્ર તોડી શકતું નથી. આજે પણ અમેરિકામાં પ્રોફેસર સી. સી. એવરેટ અને બીજા એવા ઘણા બુદ્ધિશાળી પુરૂષો વેદાંતના ચુસ્ત અભ્યાસી બની રહેલા છે. ચિકાગોની સર્વધર્મ પરિષદ્‌ના વિજ્ઞાન વિભાગના પ્રમુખ લખે છે કે :–“અમેરિકામાં આજે સઘળા વૈજ્ઞાનિક અને બીજા ઉદાર વિચારો અદ્વૈતવાદને અનુસરે છે એટલું જ નહિ પણ “ખ્રિસ્તી વિદ્યા” નામની સંસ્થા પણ વેદાન્ત ઉપરજ રચાયેલી છે. અમેરિકામાં ત્રણે પ્રકારના અદ્વૈતવાદીઓ વસી રહેલા છે, પણ હિંદુધર્મનું પ્રત્યક્ષ જ્ઞાન નહિ હોવાથી તેઓ પોતાના વિચારોના મૂળ કારણને સમજાવી શકતા નથી.”

તેથી કરીને સ્વામીજીનું એવું માનવું હતું કે હિંદ જો કે પરતંત્ર અવસ્થામાં છે તો પણ તેને જગતમાં વિજય મેળવવાનો અવકાશ છે. સ્વામીજી કહેતા કે “ભારતવર્ષે ધર્મ અને તત્વજ્ઞાનની બક્ષિસ જગતને આપવાની છે અને એ ધર્મ અને તત્વજ્ઞાનને પોતાના રસ્તા મોકળા કરવાને પોતાની આગળ લશ્કર ચલાવવાની જરૂર નથી, ધર્મ અને જ્ઞાન કાંઈ રક્તના પ્રવાહની સાથે ફેલાવવાનાં નથી. તેઓ લોહીવાળાં માનવ શરીર ઉપર ચાલતાં નથી; તેઓ ક્રુરતાની સાથે કુચ કરતાં નથી; પણ તેઓ તો શાંતિ અને પ્રેમની પાંખો ઉપરજ ઉડે છે. જેમ નમ્ર ઝાકળ અદૃશ્ય રીતે ગુપચુપ પડવા છતાં પણ તે ખુબસુરત