આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮૭
ઉપસંહાર.


ત્યાગ કરી દઇને તમારે જાગૃત, મજબુત અને પ્રવૃત્તિમાન થવું જોઈએ. આવા વહેમી મુર્ખાઓ બનવા કરતાં તો તમે નાસ્તિક બનો એ મને વધારે ગમે. કારણકે નાસ્તિક મનુષ્ય ચેતનવાળો, ઉદાર અને સહૃદયી હોય છે. જ્યારે વહેમી મનુષ્યનું મગજ સડતું ચાલીને મગજ બહેર મારી જાય છે અને તેના જીવનની અધોગતિજ થયા કરે છે. આપણને આપણા લોહીમાં અને નસમાં શક્તિની જરૂર છે. આપણી ભુજાઓ વજ્ર સમાન થવી જોઈએ. રેંજી પેજી વિચારોની આપણને જરૂર નથી. આપણને તો બહાદુર અને ધૈર્યવાન માણસોની જરૂર છે.”

આ પ્રમાણે ઉપનિષદોમાં વર્ણવેલાં ચેતનપ્રસારક અને આત્મોત્તેજક નિત્ય સત્યો-આત્મા, પરમાત્મા, પ્રકૃતિ, પુનર્જન્મ અને કર્મ વિષેના ભવ્ય વિચારો-નોજ સ્વામીજી આધ્યાત્મિકતામાં સમાવેશ કરતા. કારણ કે એજ સત્યો જીવનના મહાપ્રશ્નોનું નિરાકરણ કરે છે. તે સર્વ સામાન્ય છે, સર્વ દેશી છે. મનુષ્યને તે સત્ય નિડર, સ્વાશ્રયી અને સામર્થ્યવાન બનાવે છે. ચારિત્ર્યને તે ઘડે છે અને હૃદયને વિશાળ બનાવે છે. એ સત્યના પાલનથી જ પ્રાચીન આર્યપ્રજા અત્યંત ઉન્નતિ અને કીર્તિને પ્રાપ્ત કરી રહી હતી. હવે પણ તેમના પાલનથીજ ભારતવર્ષનો પુનરૂદ્ધાર થશે એમ સ્વામીજીની ખાત્રી હતી. એ સત્યોમાં અમુક પંથ કે ધર્મની વાત આવતી નથી. આત્મા અને પરમાત્માના ભવ્ય વિચારોજ તેમાં દર્શાવેલા છે. એ આધ્યાત્મિક વિચારોનું પાલન અખિલ વિશ્વને સલાહ, શાંતિ, ભ્રાતૃભાવ અને સામર્થ્યયુક્ત બનાવી મૂકશે એમ સ્વામીજીનું અનુભવી હૃદય તેમને કહી રહ્યું હતું. છતાં સ્વામીજીને ઘણોજ ખેદ થતો હતો કે ભારતવર્ષનો જુવાનોમાં શ્રદ્ધા નથી. સ્વામીજી કહેતા કે:—

“અંગ્રેજ અને હિંદુમાં એટલોજ ફેર છે કે અંગ્રેજમાં આત્મશ્રદ્ધા છે અને હિંદુમાં તે નથી.”