આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


હતું. તેના હૃદયમાં ઊંડા પ્રેમનો ઝરો વહી રહ્યો હતો. રમતમાં કોઈને વાગે તો તે તરતજ રમત છોડી દઈને તેની માવજત કરવા મંડી જતો. બધા ફરવા ગયા હોય અને કોઈ માંદુ થઈ જાય તો તેને તે એકલો ઘેર પહોંચાડી આવતો. રસ્તામાં જતાં જતાં કોઇ માણસને આફતમાં આવેલો જુએ તો તરતજ તે ઉભો રહે અને તેની આફત દૂર કરે. એક વખત તેણે એક સ્ત્રી અને તેના બાળકને ચગદાઈ જતાં બચાવ્યાં હતાં. ઘોડાગાડીની છેક નીચે તે બંનેને આવી ગયેલાં જોઈને નરેન્દ્ર ઝટ ઉભો રહ્યો અને એક હાથે સ્ત્રીને અને બીજા હાથે તેના પુત્રને તેણે બહાદુરીથી ખેંચી કહાડ્યાં. શેરીનાં માણસો અને પાડોશીઓ સાથે તે માયાળુપણે વર્તતો અને તેમનું કામકાજ કરતો. બધાંને તેનામાં વિશ્વાસ હતો. ગરિબમાં ગરીબને પણ તે ઘણા હેતથી બોલાવતો. નીચ જાતિની સ્ત્રીને પણ તે “મોટી બ્હેન” કહીને બાલાવતો ! નરેન્દ્રમાં આ દયાળુતા અને ખાનદાની તેનાં માબાપમાંથીજ ઉતરી આવી હતી. ભુવનેશ્વરીનું હૃદય બહુજ દયાળુ હતું. એક વખત એક મુસલમાને પોતાનું ઘર ગીરો મૂકી વિશ્વનાથ પાસે અમુક રૂપીઆ વ્યાજે લીધા. મુદ્દત પુરી થઈ અને પૈસા આપી ઘર છોડાવવાનો વખત આવ્યો. પણ તે મુસલમાન પાસે પૈસા હતા નહિ. પોતાનું ઘર જશે એમ તેને ભય લાગ્યો. ભુખે મરવાનો તેને પ્રસંગ આવ્યો અને તેણે પોતાની હકીકત ભુવનેશ્વરીને કહી. તેમણે તે શાંતપણે સાંભળી અને એક પાઈ પણ લીધા વગર ગીરોખત મુસલમાનને પાછું આપી દઇને દેવું માફ કર્યું. વિશ્વનાથની સખાવતો આખા કલકત્તામાં જાણીતી હતી. મા બાપ તરફથી વારસામાં મળેલી આ દયાળુતાને લીધેજ મોટી વયે નરેન્દ્ર – વિવેકાનંદ – અસંખ્ય પરોપકારનાં કામો કરવાને શક્તિમાન થયો હતો. શાળાના દિવસોમાં તેનામાં એક પ્રકારની અશાંતિ – પ્રવૃત્તિમયતા – દેખાઈ આવતી હતી. એકનો એક વિષય