આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯૭
ઉપસંહાર.


દેવાની ચેતવણી તે આપતા. ગૃહસ્થાશ્રમીને તે બંનેની જરૂર છે એમજ તે ધારતા, પણ એમનું કહેવું એવું હતું કે તેનો આદર્શ તો મોક્ષજ હોવો જોઈએ અને દ્રવ્યને તો ગૃહસ્થાશ્રમીએ ધાર્મિક જીવનના એક સાધન તરિકેજ લેખવું અને વાપરવું જોઈએ. ભૌતિક આદર્શ ઉપર રચાયેલી પ્રગતિ છેવટે નુકશાનકારકજ નિવડે છે એમ તે કહેતા. સાથે સાથે તે બહારની આધ્યાત્મિકતા વિષે પણ ચેતવણી આપતા કેઃ—

"પવિત્રતા, ક્ષમા, સંતોષ કે સાત્વિકતાને બહાને બેસી રહેનાર પુરૂષ માત્ર પ્રમાદી અને આળસુજ છે."

"જ્ઞાન અને ભક્તિને બહાને બેસી રહેનાર પુરૂષ વાસ્તવમાં અજ્ઞાની કે ઢોંગીજ હોય છે.”

“ત્યાગીઓના વેશ છતાં દુ:ખીઓ તરફ સહાનુભૂતિ અને સેવાવૃત્તિ ન હોય તો તેવો મનુષ્ય આળસુ અને દંભીજ છે.”

“શુષ્ક પૂજામાં કલાકના કલાક સુધી બેસી રહેનાર તેમજ સ્વમોક્ષને માટે ચિંતન કરનાર મનુષ્યના મનમાં પણ જો સ્વદેશને માટે લાગણી ન હોય તો તે હૃદય વગરનું ખાલી ખોખું જ છે.”

ખરેખર આવા મનુષ્યો દેશને ભારરૂપજ છે. આવા સંખ્યાબંધ મનુષ્યો હિંદમાં પડેલા છે. તેમને માટે સ્વામીજીનું કહેવું એવું હતું કે એવાઓને માટે મોક્ષ હોઈ શકે જ નહિ, આળસ, ગરિબાઇ કે એવાં અયોગ્ય કારણોને લીધે બનેલા ભેખધારીઓનો આદર્શ રજોગુણી વિષયી મનુષ્યા કરતાં પણ હલકો અને તામસિક હોય છે. તેઓ ભલેથી ભણે, ભણાવે, મઠમાં રહે કે છુટા ફરે, પણ શિષ્નોદર પરાયણતાને-કનક કામિનીનેજ તેઓ ગુપ્તભાવે સેવી કે ઇચ્છી રહ્યા હોય છે.