આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦૧
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


કેટલું સત્ય છે તે તપાસો. ખરી સાધુતા-વૈરાગ્યવૃત્તિ શેમાં રહેલી છે તે જુઓ. જ્યારે હિંદ સાચી વૈરાગ્યવૃત્તિને સમજતું થશે અને તેનું પાલન કરતું થશે ત્યારેજ તે યુરોપની પ્રજાઓમાં પોતાનું યોગ્ય સ્થાન પ્રાપ્ત કરશે."

સ્વામીજીનું જીવન જણાવે છે કે આપણે મહા તપસ્વી ઋષિમુનિઓનાં બાળક અને તેમણે મૂકેલા આધ્યાત્મિક ખજાનાના સીધા વારસ છીએ. તેમનો અદ્ભુત પ્રાચીન મહિમા, ભવ્યતા, કીર્તિ અને ગૌરવ એ સર્વના આપણે ખાસ હક્કદાર છીએ. તેમનું જીવન આપણને શાશ્વત યશ અને સુખની સમીપમાં લાવી મૂકે છે. તે આપણને અધમ વાસનાઓથી ઉંચે લઈ જાય છે અને સ્વર્ગીય ભાવનાઓનો સ્વાદ ચખાડે છે અને ઇંદ્રિયાતીત, મનોતીત અને બુદ્ધાતીત ભૂમિકાનું ભાન કરાવે છે.

સ્વામીજીના જીવને અને ચારિત્ર્યે આપણને આ બોધ આપ્યો છે કે, એમના જેવો આત્મત્યાગ, સહૃદયતા, ઉચ્ચ નીતિ અને નિઃસીમ સ્વદેશ પ્રીતિ, એ સર્વ બાબતો ધર્મ સિવાય પ્રાપ્ત કરી શકાશે નહિ. અને એ ઉંચા સદ્‌ગુણો ધારણ કર્યા વગર દેશોદયની આશા રાખવી ફોગટ છે. વિવેકાનંદ, રાનડે અને ગ્લાડસ્ટન જેવા મહાપુરૂષો પણ ધર્મના સેવનથીજ મહાપુરૂષો બની રહ્યા હતા. તેમના વખતનાં મનુષ્યો ઉપર તેઓ બહુજ ઉંડી અસર ઉપજાવી રહ્યા હતા; તેનું કારણ પણ એજ હતું કે તેમનું ચારિત્ર ધર્મના સિદ્ધાંતો ઉપર રચાયેલું હતું. કોઈપણ સમાજ કે દેશ એવા મનુષ્યો વગર ઉન્નત થઈ શકે નહિ. એવા મહાપુરૂષોનુ જીવન બહુજ આગ્રહપૂર્વક આપણને જણાવે છે કે આપણા જીવનની સઘળી પ્રવૃત્તિઓ ધર્મનાજ સિદ્ધાંતો ઉપર રચાયેલી હોવી જોઈએ. જો કદાપિ એમ માનવામાં આવે કે આ જગત માત્ર સ્વાર્થ બુદ્ધિ, આકસ્મિક બનાવો