આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯
માબાપની દેખરેખ નીચે.


થયા હતા. તેમની માતાઓ ઉચ્ચ સંસ્કારવાળી ન હોત તો તેઓ મહત્તાને પ્રાપ્ત કરી શક્યા નહોત. તેની માતા વગર નેપોલિયન પ્રખ્યાતિમાં આવ્યો નહોત. મહાન અંગ્રેજ ગ્રંથકાર કાર્લાઇલ, ઇંગ્લાંડનો વડા પ્રધાન ગ્લૅડસ્ટન અને બંગાળાના પ્રસિદ્ધ ધાર્મિક પુરૂષ કેશવચંદ્રસેન તથા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, વર્તમાન મહાત્મા ગાંધીજી, મૌલાના મહમદઅલી અને શૌક્કતઅલી, આ સર્વ અસામાન્ય પુરૂષો તેમની માતાઓના બોધ વગર પ્રસિદ્ધિમાં ભાગ્યેજ આવ્યા હોત.

નરેન્દ્રના જન્મ પહેલાં જ પુત્ર થાય તો સુપુત્ર થાય એમ ભુવનેશ્વરી દેવી દૃઢપણે ઈચ્છતાં ! તેના જન્મ પછી “નરેન્દ્ર એક મહાન ધાર્મિક પુરૂષ થાય” એમ તેમની તીવ્ર ઇચ્છા હતી અને તે ઈચ્છા પુરી પાડવાને દરરોજ તે પ્રભુ પ્રાર્થના કરતાં અને અનેક સાધનો યોજતાં. તેની બાલ્યાવસ્થામાં અને તેની યુવાવસ્થામાં તેના મનનું વલણ વાળવામાં, હિંદુ ધર્મના સિદ્ધાંતો મુજબ તેનું ચારિત્ર ઘડવામાં અને તેના મનમાં રામાયણ અને મહાભારતની વાર્તાઓ ઠસાવવા પાછળ તે મંડ્યાં ને મંડ્યાંજ રહેતાં. લક્ષ્મીને તે તુચ્છ ગણતાં અને તેના કરતાં સત્યશીલ જીવન વધારે કિંમતી ગણતાં. શાળાના અભ્યાસ ઉપર તે ઘણીજ દેખરેખ રાખતાં અને પોતાના ચારિત્ર અને ધાર્મિક જીવનથી પુત્રનું ધાર્મિક જીવન ઘડતાં અને તેના હૃદયમાં નૈતિક અને આધ્યાત્મિક બળ રેડતાં, આવું નૈતિક અને આધ્યાત્મિક બળ પોતાનાં બાળકોના હૃદયમાં કેટલી માતાઓ હાલમાં રેડતી હશે !

કોલેજમાં ગયા પછી પાશ્ચાત્ય વિદ્યાના સંસર્ગથી નરેન્દ્રના મનમાં અનેક વિચારોનું તુમુલ યુદ્ધ મચી રહ્યું હતું. તે વખતે પણ ભુવનેશ્વરી પ્રભુને પ્રાર્થના કરતાં કે તેના ચિત્તમાં જલદીથી સમાધાન થાય. તેના ગુરૂની પાસે નરેન્દ્ર જ્યારે બોધ ગ્રહણ કરવા લાગ્યો ત્યારે તે