આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ ૮ મું. – મહત્તાનું ભાન.

જેઓ પ્લેટો અને એરીસ્ટોટલની માફક જગતના વિચારોને ફેરવવાને શક્તિમાન થયા છે, જેઓ અલેકઝાંડર અને સીઝરની પેઠે વિશ્વનું ભાવી બદલી શક્યા છે તેઓને પોતાની મહત્તાનું ભાન ન્હાનપણથીજ હોય છે. નરેન્દ્ર કે જેણે હિંદુસ્તાન અને અમેરિકાનું ભવિષ્ય અન્ય ચઢીયાતી દિશામાં વાળ્યું તે પોતાની મહત્તા નાનપણથીજ સમજતો હતો. હવે તે હાઈસ્કૂલમાં આવ્યો હતો અને ઉપલાં ધોરણો – છઠ્ઠા સાતમામાં અભ્યાસ કરતો હતો. આ વખતે પોતાનામાં એક પ્રકારની સત્તા છે એમ તેને લાગતું હતું. પોતાના વિદ્યાર્થી જીવનમાં તે સર્વદા પ્રવૃત્તિમય જણાતો; પણ સાથે સાથે ધ્યાનમાં બેસવાનું તે ચૂકતો નહિ. જીવનની અનેક કળાઓમાં નિષ્ણાત થવું અને સાથે સાથે મોક્ષને પગથીયે ચઢતા જવું એવું તેના મનનું વલણ હતું, અને તેથી કરીને જ મોટી વયે જનક રાજાની માફક નિવૃત્તિ અને પ્રવૃત્તિનો અદ્‌ભુત સંયોગ કરી, આ નિવૃત્ત–પ્રવૃત્તિમય જીવનને અનેક રૂપમાં તે વહેવરાવી શક્યો હતો.

વિદ્યાર્થી અવસ્થામાં જાહેર હિંમત નરેન્દ્રમાં કેટલે અંશે હતી તે નીચેના બનાવ ઉપરથી સમજાશે. એક વખત તે નાટક જોવા ગયો હતો. ત્યાં એક પોલીસ અમલદાર નાટક ભજવનારાઓમાંના એક જણને પકડવાને વારંટ લઇને આવ્યો હતો. તે અમલદારે પેલા માણસને પકડવા માંડ્યો અને નાટકમાં ભંગાણ પડવાનો સમય આવશે એમ સૌને લાગ્યું. એકદમ નરેન્દ્ર ઉભો થયો અને તે અમલદારને ધમકાવવા લાગ્યો. “ઉભા રહો ! ખેલ પુરો થાય ત્યાં સુધી ઉભા રહો ! આ પ્રમાણે બધાનું જોવાનું કેમ બગાડો છો ? તમે શું સમજો છો ?” એકદમ બીજા પણ વીસ જણ તેની પાછળ બોલી ઉઠ્યા.