આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સાથે રમનાર માણસ તેનાથી મોટો અને મજબુત હતો પણ પોતાની યુક્તિથી નરેન્દ્રે તેને હરાવ્યો અને પહેલું ઈનામ પોતાને હાથ કર્યું. આ સિવાય દોડવામાં, કૂદવામાં, કુસ્તી કરવામાં, ગંગામાં હાડીઓ ચલાવવામાં તે સૌથી શ્રેષ્ઠ ગણાતો. શારિરીક બળને માટે આટલું કરી તેણે પોતાનું શરીર સુદૃઢ બનાવ્યું હતું. તેનો બાંધી મજબુત દેખાતો હતો અને આકૃતિ સુંદર અને ભવ્ય રૂપ ધારણ કરી રહી હતી. કોલેજના દિવસોમાં જ્યાંથી ત્યાંથી ઉંડું જ્ઞાન મેળવી લેવું અને સાથે સાથે શારિરીક બળ અત્યંત વધારવું, આ બે બાબતો નરેન્દ્રનું લક્ષ્યબિંદુ થઈ રહી હતી.

નરેન્દ્રની જ્ઞાન તૃષ્ણા અગાધ હતી. કોલેજનો અભ્યાસક્રમ તેની તૃષ્ણા મટાડે એવો નહોતો. તેના વિષયોને તે બહુ મહત્વના ગણતો નહિ. આથી કરીને કોલેજના અભ્યાસની તે બહુ દરકાર રાખતો નહિ. કોલેજના અભ્યાસક્રમનો કેટલોક ભાગ તેની ઇચ્છાને અનુકુળ થતો અને કેટલોક પ્રતિકુળજ ભાસતો ! આથી પરિક્ષા પહેલાં માત્ર બે મહિનાજ પાસ થવા પુરતું વાંચતો; અને બાકીનો બધો વખત કોલેજ બહારના વિષયો શિખવામાં, જાહેર ભાષણો સાંભળવામાં અને એ સમયના મહાન વિચારકોના વિચારોનું મનન કરવામાં તે ગાળતો. વર્તમાનપત્રો, માસિકો અને નવલકથાઓ તથા સમકાલિન લેખો તે તે પુષ્કળ વાંચતો. નવા નવા વિચારો તે શોધતો. જ્ઞાનની અનેક શાખાઓનું એક મૂળ શોધી કહાડવું અને નૈસર્ગિક શક્તિ પ્રાપ્ત કરવાતે માનસિક શક્તિઓને અત્યંત ખીલવવી, આ તેના અભ્યાસનો ખાસ હેતુ હતો, પાતાના આશયને નરેન્દ્ર મરણપર્યંત વળગી રહ્યો હતો, અને પોતે મુકરર કરેલા અભ્યાસક્રમ પ્રમાણે તે આખી જીંદગી સુધી એક નિત્ય કર્મની માફક વાંચ્યાજ કરતો ! તેના મનના આ વલણથી તે ખર જ્ઞાનની માહીતિનો જાણે કે એક ફુવારો હોય એમ થઈ રહ્યો હતો !