આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩
કૉલેજનું જીવન.


ગાવાથી તેનો અવાજ ઘડાઈને મિષ્ટ અને ખુલ્લો થયો અને તે તેને આગળ ઉપર વક્તા તરીકે ઘણોજ કામ લાગ્યો. સ્વામી વિવેકાનંદ તરીકે તે પોતાના વિચારો પોતાના અવાજ ઉપરના કાબુને લીધે પણ વધારે સ્પષ્ટતાથી અને વધારે જુસ્સાથી દર્શાવી શકતો હતો. પશ્ચિમમાં અનેક મનુષ્ય તો તેના મધુર અવાજને લીધેજ આકર્ષાઈને તેના ભાષણો સાંભળવાને આવતા, આ સમયમાં વળી દરરોજ સંધ્યાકાળે તે એક નાના ટટ્ટુ ઉપર સ્વારી કરતો અને ઘોડે બેસતાં શિખતો. પોતાના અભ્યાસકાળમાં તે એકજ વખત એક પુસ્તકને વાંચતો અને પછી આખી જીંદગી સુધી તેની મતલબ તેને મ્હોડે થઈ રહેતી.

પોતાનાં માતાપિતા આગળ નરેન્દ્ર ઘણુંખરૂં ગાતો અને તેઓ સાંભળીને ખુશી થતાં. કોઈ પણ મનુષ્ય તેને એકજ વાર ગાતાં સાંભળતો એટલે કદી તેને ભૂલી શકતો નહિ. તે ગવૈયાના જેવું ગાઈ શકતો. ગાયનકળા વિષે પૂર્વ અને પશ્ચિમના સંગીતની તુલના કરી બંનેના ગુણ દોષ તે દર્શાવતો અને તેના વિચાર સપ્રમાણ ગણાતા, અનેક વાદ્યો તે વગાડતો. મુખ્યત્વે કરીને વીણા તેને ઘણીજ પ્રિય હતી અને એ વગાડવામાં તે ઘણોજ પ્રવીણ હતો. ગાવું, વાજીંત્ર વગાડવું અને નરઘાનો ઠેકો આપવો એ ત્રણે કામ તે સાથે સાથેજ કરતો. મદ્રાસ હાઈકોર્ટના જડ્જ શંકર નેર જેવા મનુષ્યોએ વર્તમાન પત્રદ્વારા વિવેકાનંદના સંગીતવેત્તા તરિકે ઘણાં જ વખાણ કરી આ વાતને સિદ્ધ કરી આપી હતી.