આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ ૧૦ મું – ભાવિ જીવનનું ભાન.

પોતાની યુવાવસ્થા વિષે વાત કરતાં સ્વામી વિવેકાનંદ કહેતા કે, “તે સમયમાં હું ભગવદ્‌ગીતા વાંચતો અને તેમાંના કેટલાક વિચારો રાત દિવસ મારા મગજને હલાવી નાંખતા. શ્રીમદ્ ભગવદ્‌ગીતા હિંદુ ધર્મનું ઉમદા રહસ્ય સમજાવે છે. ખરો વેદાન્ત ધર્મ તે બહુજ સુંદર રીતે પ્રતિપાદન કરે છે ! આર્યોનો આત્મા વિષેનો અનુભવ તેમાં દર્શાવેલો છે. તેમાં વર્ણવેલો ધર્મ કોઈ એક દેશનો, જાતિનો, વ્યક્તિનો કે સંસ્થાનો નથી. તે ધર્મ સ્ત્રીનો નથી કે પુરૂષનો નથી; પણ જાતિ રહિત, વર્ણ રહિત, દેશ રહિત, સંસ્થા રહિત આત્માનો છે. તે ધર્મ સર્વ સામાન્ય છે, તે સર્વને લાગુ છે. તેના સિદ્ધાંતો દેશકાલાદિથી અબાધિત છે. તે નિત્ય છે. ખેદયુક્ત અર્જુન યુદ્ધમાં ઉભેલો છે અને શ્રીકૃષ્ણ તેને આત્માનું ખરૂં સ્વરૂપ સમજાવી સ્વધર્મમાં પ્રેરે છે. શ્રીમદ્ ભગવદ્‌ગીતા આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજાવનાર, સ્વધર્મમાં યોજનાર અને મોક્ષના દ્વારમાં લઈ જનાર એક અતુલનીય સ્વર્ગીય ગાન છે.”

નરેન્દ્ર ભગવદ્‌ગીતાનું દરેકે દરેક પ્રકરણ વાંચતો અને તેમાંનું અગાધજ્ઞાન, અદ્ભુત આધ્યાત્મિક પ્રકાશ, આર્ય મહર્ષિઓના અપૂર્વ અનુભવ, તેના વાંચનમાં નરેન્દ્રની નજરે આવતો. ભગવદ્‌ગીતા જાણે કે એક વ્યકિત હોય, તેનો મિત્ર હોય તેમ તેને તે ચહાવા લાગ્યો. તેને મન તે સર્વ શાસ્ત્રોનું એક શાસ્ત્ર હતું. રણભૂમિના અસંખ્ય પોકારોની વચમાં અત્યંત શાંતિને અનુભવનાર પરમાત્મા શ્રીકૃષ્ણનું, ખેદયુકત જીવ-આત્મા–અર્જુન પ્રત્યે આત્મકથન હતું. સંસારરૂપી રણભૂમિ ઉપર સ્વધર્મમાં પ્રવૃત્ત થવા, આત્માના અંતઃપ્રદેશમાં પેસીને પોકારતો જાણે કે તે શંખનાદ હોય તેમ નરેન્દ્રને