આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
તાર્કિક બોધ

લડીને કપાઈ મુઆં. એ પુતળાં, વિશ્વકર્માનું અશલ નામ તો શું હશે તે જાણતાં નહોતાં. પણ તેની રચના ઉપરથી અનુમાન કરીને એટલું કહેતાં હતાં કે, આપણો બનાવનાર કોઈક છે. પછી તેનાં કલ્પિત નામ પાડીને કેટલાએક પ્રાર્થના કરતાં હતાં. વિશ્વકર્માને જોવાની, અને બોલાવવાની ઇચ્છાથી કેટલાંએક તો લાંઘણો કરતાં, ક્લેશ કરતાં, અને રોતાં હતાં. પણ વિશ્વકર્મા રહ્યો રહ્યો તે તમાસો જોયા કરતો હતો. એ કાંઈ જવાબ દેતો નહોતો. અને જવાબ દીધાથી તેઓ સમજી શકે એવું પણ જણાતું નહોતું. તેથી કેટલાંક તો એમ કહેતાં હતાં કે આપણો પેદા કરનાર કોઈ નથી. આ તો સ્વાભાવિક ઉત્પતિ અને નાશ થતો આવે છે.

કેટલાંક ધારતાં હતાં કે આપણો જીવ જેવાં કર્મ કરે , તે પ્રમાણે વારે વારે એક શરીરમાંથી નીસરીને ઝાડ, પશુ કે માણસ જેવાં પુતળાંમાં પેસે છે. અને એકલાંએક ધારતાં હતાં કે, આપણાં શરીરમાં, અને ઝાડ, પશુના શરીરમાં જુદી જુદી જાતના જીવ છે. ઝાડ પશુ મરે એટલે તેમાંથી જીવ પણ મરી જાય છે. અને માણસ જેવા પુતળાંનો જીવ મરતો નથી. તથા ફરીથી જનમતો પણ નથી. એ રીતે જુદા જુદા વિચારથી સઉ અનુમાન કરતાં હતાં. તે જોઈને -

દુર્ગારામ—અરે અરે આ કેવા ઠગ છે ? કે, કેહે છે જે હું તમારો પેદા કરનાર છું. વળી એક કહે છે કે હું પેદા કરનારની પાસેથી તમને સમજાવવા આવ્યો છું.

વ્રજલાલ—એ શું ખોટું બતાવે છે ? સગળાં સંપીને ચાલે, અને સુખમાં રહે કોઈએક બીજાનું નુકશાન કરે નહિ, તે સારૂં સારી શીખામણ આપે છે.