આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩
લખેલી વાત માનવા વિષે

હસવું આવે, તેમ તે કવિની હુશીઆરી ગણાય. અને અદ્ભુત રસનું વરણન કરે ત્યારે આકાશવાણી, ભવિષ્યવાણી તથા સમુદ્ર પી જવા વગેરેની મોટી અચરજ ભરેલી વાતો લખે; કે જેથી સાંભળનાર ઘણું આશ્ચર્ય પામે, તેમ ગ્રંથ કર્ત્તાની વધારે હુશીઆરી ગણાય છે.

એવા ગ્રંથોમાંથી સાચી વાત કેટલી છે, તે શોધી કાઢતાં મુશ્કેલ પડે છે ખરૂં. તે શોધવાની રીત એવી છે કે, એક કવિયે લખ્યું હોય તે વિષે બીજા દેશના કવિયે સાક્ષી આપી હોય, અથવા એક ધર્મના કવિયે લખ્યું હોય, અને બીજા ધર્મના કવિયે સાક્ષી આપી હોય; વળી તે વાત સંભવતી હોય, તો સાચી મનાય છે. જેમ કે, એક શેઠે પોતાના છેક નહાના દીકરાને કહ્યું કે, એક માણસ આખા મુંબઈ શહેરને અમદાવાદના ચૌટામાં ઉપાડી લાવ્યો છે. એ સાંભળનાર છોકરો અણસમજુ હતો, માટે તેણે એવું માન્યું કે મુંબઈ શહેર આખું આવ્યું હશે, પછી તે શેઠે તથા બીજા દીકરાને તે વાત કહી; ત્યારે તે છોકરો કાંઈક સમજણો હતો, તેથી તેણે એટલું પુછ્યું કે બાપા, આખું મુંબઈ શહેર એક માણસ શી રીતે ઉપાડી શકે? પણ તમે કહો છો તેમાં સમજવાનું કાંઈક બીજું હશે. શેઠે કહ્યું કે, એક કાગળમાં ચિત્રેલું આખું મુંબઈ શહેર લાવ્યો છે, ત્યારે તે છોકરે એ વાત સાચી માની. પછી શેઠે ત્રીજો છોકરો ઘણો હુશીઆર હતો, તેને પણ એ રીતે કહ્યું. ત્યારે તેણે કહ્યું કે, તમારે કહેવાની મતલબ શી છે? તેનો હું વિચાર કરૂં છું. ત્યારે મને એવું ભાસે છે કે, એવું ચિત્ર પણ કોઈ લાવ્યું નહિ હોય; કેમ કે મુંબઈનો એવો નક્શો બનેલો હોય તો વર્ત્તમાન પત્રોમાં એ વાત વાંચવામાં આવે. તથાપિ એ વાત સંભવે એવી છે.