આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૭
ચંદા અને તરલા.

 'આટલા વર્ષના વિવાહ પછી કે? હમણાં મુંબઈ આવ્યાં ત્યારે તો સુમનલાલનું નામ લેતાં તે ગીલગીલી થતી. સુમનલાલનું વાંકું બેલતાં તો ચ્હીડાઈ જતાં. એટલામાં એ ખરાબ થઈ ગયા કે? ત્યારે તો કાયમની લાગણી તો નહી જ રહેવાની ને ?'

'ભાભી એમ નહી, પણ અનુભવથી–સરખામણીથી એમ લાગ્યું કે એમાં કાંઈક ન્યૂનતા છે–ખામી છે.'

'ત્યારે ભૂજંગલાલ સપૂર્ણ હશે કેમ ? આજ આટલાં વર્ષ થયાં જેમાં ખામી ન જણાઈ તેમાં ખામી નિકળી તે પછી હજી બે મહિના કે છ મહિનાના પરિચયવાળામાં ખામી નહી જણાય એ કોણે કહ્યું ?'

'તે ખરું, પણ ભાભી, જ્યાં મન ખેંચાય ત્યાં જવું કે નહી ?'

‘હા, એ ન્યાય કબૂલ રાખો છો ? તમારા ભાઈનું મન ખેંચાયું હતું તે કેમ અટકાવ્યું ? તે વખતે લાગણીને વશ ન થવાની વાતો કરનારાં તમે જ ને? મન એ માંકડું છે. નાનું છોકરું જેમ એક રમકડું મૂકી બીજું રમકડું લેવા ફાંફાં મારે તેમ આપણે કરવું કે મનને કેળવણી, નીતિ, જનસમાજના કાયદાથી નિયમમાં રાખવું ?'

‘ત્યારે ભાભી ! આપણી રીત પ્રમાણે નાનપણથી જાણીયે નહી, ઓળખીયે નહી એવા સાથે સગાઈ કરી હોય તેમાં જ સુખ માનવું?'

'એનો જવાબ આપું છું, પણ પહેલાં કહો, કે પશ્ચિમની રીતે મોટી વય થયા પછી કન્યાઓ, યુવાનો સાથે રહસબંધ બાંધે અને મન-માન્યાં લગ્ન કરે છે એમાં પૂર્ણ સુખ છે ?'

'પૂર્ણ તો કોણ જાણે પણ આપણા કરતાં સારું !'

'બ્હેન, લાગે છેને ? એમનામાં છૂટાછેડાના દાખલા ઓછા બનતા નથી. સ્નેહ જ હોય તો એ બને ?'

'ત્યારે ?'

'તરલા! યુવાન સ્ત્રી-પુરૂષમાં યુવાવસ્થાના બળે, સોસાયટીની અસરે સામાન્ય રીતે ઉંડા ઉતરી શક્તા નથી. કાં તો સૌદર્ય, કાં