આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તરલા અથવા ઉર્મિનો આવેગ


ચંદા ચીઠીઓ વાંચતા વાંચતાં રોતી, સામે ટાંગેલી પતિની છબી તાકીને જોઈ રહેતી. શું કરવું એના વિચારમાં દિવસો ને દિવસો ગયા હતા. ‘પીયર જાઉં ? છોકરાંને કાંઈ મારી સાથે મોકલે ? છોકરાને ન મોકલે તો હું પીયર ને છાકરાં અહીં ? મારો જીવ કેમ રહે? છોકરાંને મૂકી જાઉં તો એમને શું ? એમને તો વચમાંથી આડખીલી જાય. એમને શિક્ષા શી રીતે કરવી?” વિચારમાળા ચાલે છે ત્યાં બારણું ઉઘડ્યું ને વસન્તલાલ ધીરે પગલે, ધડકતે હૃદયે દાખલ થયો. ચંદા બારણાંનો ખખડાટ સાંભળતાં જ ઉભી થઈ. ચીઠી જેમ તેમ નાખી ખાનાં બંધ કર્યાં અને સ્નેહને બદલે ક્રોધ, વેર, ઇર્ષ્યા દર્શાવતા ચહેરે પતિ સામું જોઈ રહી.

વસન્તલાલ ધીરે સાદે નમ્રતાથી ખુરસી આગળ આવી એક હાથ ખુરસીના દાંડા ઉપર મૂકી બોલ્યો, “ચંદા!”

'એમને શું ? એમના ચહેરા ઉપર જરાયે ચિંતા જણાય છે ? હું અહીં બળી જાઉં છું ને પોતે કેવા સુખી છે !’ એમ ચંદાને લાગતાં બેલી– “કેમ! શું છે?”

“તરલા કાલે આવે છે.”

“ભલે આવે. એમાં મ્હારે શું ? મ્હારાથી નહી મળાય.”

“પણ ચંદા ! તારે રહેવું પડશે, અને એને મળ્યા વિના નહી ચાલે.”

“નહી ચાલે ? હા, હું મ્હારા પતિની આજ્ઞા પાળવા બંધાઈ છું. ચોરીમાં પ્રતિજ્ઞા કરી છે, પણ ક્યારે ? એ મારા પતિ રહ્યા હોય તો ને? એમના જીવનમાં આનંદ બીજાથી મળે અને મ્હારે એમનું કહ્યું કરવું ! હાય ! હાય! શું અમારી આ સ્થિતિ!” આ વિચારો આવતાં ચંદા અકળાઈ ગઈ–રોઉં રોઉં થઈ ગઈ ને બોલી:

“જાઓ, જાઓ, મ્હારે કાંઈ કરવું નથી.” જે ચંદાના કોમળ નેત્રમાં સ્નેહ ભર્યો લાગતો હતો, જે ચંદાનું ચાંદ જેવું મ્હોં હૃદયમાં શાંતિ ફેલાવતું હતું, જે ચંદાના બોલ અમૃતથી પણ મીઠા લાગતા હતા, જે ચંદાનો સ્પર્શ ચંદનથી પણ વધારે શીતળ લાગતો હતો તે