આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૪
તરલા અથવા ઉર્મિનો આવેગ


દ્વારાએજ વીણાએ ભૂજંગલાલને જોયો. ભૂજંગલાલની આંખ વીણાની આંખ સાથે એ તકતા મારફત મળી અને વીણાની છાતીમાં ધબકારો થયો. એ ધબકારા વીણા સાંભળવા લાગી. જે વીણા પાર્ટીમાં પોતાના પિતાની સાથે ભૂજંગલાલ પાસે ગઈ હતી. શણગારભાભીની સન્મુખ બેધડક વાત કરી હતી, તે જ વીણા અત્યારે બારી પાસેથી તસુ ખશી શકી નહી. પોતે ઓરડામાં છે જ નહી એમ બધા સમજે અને વાત કરે તો સારું એમ વીણાને થતું હતું. ત્યાં વીણાની માતાએ કહ્યું–

'વીણા! પાછલા ઓરડામાં જા ને બધું તૈયાર કર!'

પોતાના કરવા માગતા ભૂજંગલાલ માટે ચા નાસ્તો તૈયાર કરવાને લાવવાનો વખત આવ્યો, એથી વીણાને આનંદ થયો. એના એ ચાહમાં વધારે મીઠાશ-લહેજત શી રીતે લાવવી એની યુક્તિ પ્રયુક્તિ કરવા વિચાર થયો. પણ અત્યારે પોતાના પ્રિયજનથી છૂટી પાડનાર માતા દુશ્મન જેવી લાગી.

વીણા પાસેના જ ઓરડામાં ગઈ અને ચાહ-પુરી વગેરેની વ્યવસ્થામાં રોકાઇ. ગમે તો કાકતાલીય ન્યાયે બન્યું હોય કિંવા વીણાના સ્વભાવની માહીતગાર માતાએ જાણી જોઈને જ આ ઓરડો પસંદ કર્યો હોય, પણ ગમે તેમ આ એરડામાંથી બહાર થતી બધી વાત સંભળાતી હતી, અને તેમાં વીણાએ સઘળી વસ્તુ બારણા પાસે જ લાવી મૂકી. સ્ટવનો અવાજ આવતો હતો પણ ત્યાં એનું ચાલે એમ નહોતું, બાકી રખેને કાંઈ ખખડાટ થાય એ બીકે બધી વસ્તુ ધીરે રહીને મુકતી અને લેતી.

જોડેના ઓરડામાં વાત શરૂ થઈ.

'ભૂજંગલાલ ! લગ્નના સંબંધી આપના શા વિચાર છે તે હરકત ન હોય તો જણાવશો?'

'કિશોરીલાલ! મ્હારા પાછલા જીવનને અંગે આ પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. પરંતુ પરિસ્થિતિ સમજનારને મારી વર્તણુક અયોગ્ય નહી લાગે.'