આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૯
ભૂજંગની વીણા કે વીણાનો ભૂજંગ?


પુરૂષોને જ ન ચાલે. લીલાની સાથે તમારું નકકી થયું ન હતું? એ બીચારીએ તમને પતિ માની અરવિન્દને નિરાશ કર્યો. તેને છોડી બીજી પાછળ ભમનાર તમેજ ને? એ બીચારી જીવે છે કે મરે છે તેની જરાએ દરકાર તમે કરી છે ? ઘરનું કુતરું માંદુ પડે, પાડોશી માંદુ પડે તો ખબર કહાડીયે છીએ તો પછી આ તો તમારે લીધે જ મરવા પડી, ત્હેને જરાયે સંભારો છો ?'

'વીણ ! વીણા ! લીલાને માટે મ્હારો કાંઈક વાંક છે ખરો. હું આકર્ષી શકું છું એમાં હું મોટાઈ સમજતો. મારી દુષ્ટ ઇચ્છાઓ તે વેળા બળવત્તર હતી.'

'લીલાના સંબંધમાં એમ પણ તરલાનું શું ? તમે એને નહોતા ચાહતા ? એ ત્હમને ચહાવા નહોતી શીખી ? બીચારી લાગણી અને અંતરના સ્નેહમાં તફાવત સમજી નહીં અને દુઃખી થઈ.'

'તરલા ? હા તરલા તરફ મ્હારો ભાવ હતો.'

‘ત્યારે એ જ પ્રમાણે આજ મ્હારા ઉપર ભાવ છે, કાલે બીજી ઉપર કેમ નહી થાય ? ત્હમને એકને એક વસ્તુ ઉપર ભાવ રહે એ ગમતું નથી. રહેવું જ જોઈએ એ સિદ્ધાન્તના નથી ત્હેનું કેમ ?'

'વણ ! એ વિશે હું હજી બહુ વિચાર કર્યો નથી. ખરું કહું ? અત્યાર સુધી લગ્ન એ બંધન લાગતું. તરલા મને બંધનમાં નાખવા માગતી હતી. મને એ ન ગમ્યું ને તરલા ખોઈ. ત્હારા સંબંધમાં આવ્યા પછી–આ બે ચાર રાત્રીની અસ્વસ્થતા પછી–મ્હને લાગે છે કે મ્હારા જેવાને એ બંધન જ હિતકારી છે. મારી બુદ્ધિ , મારું મન માન્યું કે સૌદર્ય, વૈભવ, સત્તાનો સદુપયોગ કરવા ત્હારા જેવી સ્ત્રીના અંકુશની જરૂર છે. નહિ તો ટુંક સમયમાં મ્હારા જીવનને, મ્હારી આબરૂને, મારી સત્તાના વૈભવનો અંત આવશે. મ્હને અનુભવ પછી લોકો ઘરમાં નહી રાખે. તરલા લાગણીનો ભંડાર છે પણ એનામાં વિદ્યા, સત્સંગ, કુટુંબના સારા સંસ્કાર પડ્યા છે. મ્હારામાં તેથી ઉલટું જ છે. મ્હારા કુટુંબમાં નીતિને બદલે સ્વચ્છંદાઈ જ શીખ્યો છું. મ્હારા