આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦૨
તરલા અથવા ઉર્મિનો આવેગ


લીલા-અધીરી–શરમાળ લીલા પોતાની માતા અને પ્રિય અરવિન્દ વચ્ચેની વાત સાંભળતી હતી, અને ભૂતકાળના દુઃખ પછી ભવિષ્ય જોઈ આનંદ પામતી હતી. લગ્ન આવતા અઠવાડીયાને બદલે આગળ ઉપર રાખવાની અરવિન્દની ઈચ્છા અધિરી લીલાને બીલકુલ ગમી નહી. 'એ વળી ડાહ્યા થાય છે તે ! લુગડાં અને ઘરેણાં મ્હારે નથી જોઈતાં. એકવાર લગ્ન થવા દોને, કોણ જાણે શાંયે વિઘ્ન આવે' એમ થતું હતું. ત્યાં લીલાની માતા 'ઠીક છે, એ થઈ પડશે' કરી ચાલી ગઈ અને આખા હોલમાં પાછાં બન્ને એકલાં પડ્યાં. લીલા અરવિન્દની પાસે આવી ને બોલી, 'કેમ ! લગ્ન આવતા મહિનામાં વ્હેલાં પડશે કેમ ખરું ને? આવતે વર્ષે રાખીયે તો શું ખોટું ?'

'લીલા ! મ્હારા મનમાં કે ઘરેણાં–લુગડાં લત્તાં થયાં નથી ત્હને નહી ગમે. એમ ખબર હત તો હું તો આજનું જ લગ્ન કરવા કહેત.'

‘તમને શેની ખબર? પુરૂષને કોલર, નેકટાઇ કે બૂટ, કોટ નવા નવા જોઈએ એટલે બૈરાને પણ એમજ હશે એમ માનો, પુરૂષો કરતાં સ્ત્રીઓ પ્રેમની વધારે ભૂખી હોય છે. હમે કાંઈ લુગડાં લત્તાને નથી પરણતાં હે કે !'

'લીલા! લીલા! ભૂજગનો પ્રસંગ બન્યા પછી–એ વિઘ્ન આવ્યા પછી-આપણાં હૃદય વધારે સંયોજાયાં [૧] લાગ્યાં છે. મહે કાઈ દિવસ આશા રાખી નહોતી છતાં એમ તે ખરું કે પરણવાની વાત આવતાં એમજ થતું કે પરણવું તે લીલાને જ.”

'અને મ્હારી પણ એજ વિનંતિ હતી.' 'એ નહી બને, ક્ષમા કરો.' એ બોલતાં બોલી તે ખરી પણ તે જ દિવસથી મારું હૃદય તમારી સાથે જ ગયું હતું એમ મને લાગે છે. ભૂતકાળ વિસરી ગયા છો ને? હવે તો મ્હારા ઉપર શંકા નથી ને?'

'શંકા ! શા માટે શંકા ?'


  1. ૧. સાથે જોડાયાં.