આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩૦
તરલા અથવા ઉર્મિનો આવેગ

 હૈડું હરખથી ઉછળતું હતું. જીવનની સફળતા થઈ એમ લાગતું હતું. 'અમારી લીલાને સુખી કરજો', 'લીલા જેવી કેળવાયેલી, વિવેકી, શરમાળ, ડાહી પત્ની મેળવવા તમે ભાગ્યશાળી થયા છો એ માટે તમને મુબારબાદી' એવા શબ્દો અરવિન્દના કાને પડતા. લીલાની બેનપણીઓના, લીલાનાં માતપિતાને સ્નેહીઓના તાર, ભેટો આવતી હતી, પરંતુ અરવિન્દ તરફથી કાંઈ જ નહોતું. અરવિન્દને ક્ષણભર લાગ્યું કે આ લગ્નથી હું સુખી નહી થાઉં. મ્હોટાની કન્યા લેવાથી જીવનનો શાન્ત આનંદ ખોવો પડે છે. આ શોભા–આ એકતરફી શોભા, ભેટ, મુબારકબાદીના તારોથી લીલાના મનમાં કદાચ પોતાને માટે વધારે ઉંચો મત બંધાઈ જશે. 'અરવિન્દને કોઈ ઓળખતું નથી, મ્હારા લીધે એ ઓળખાય છે, એમ કાંઈ થશે.' આમ લાગતાં અરવિન્દની આંખમાં આંસુ આવ્યાં. આ આંસુ હર્ષ અને જ્ઞાનનાં હતાં. લીલા તરફ અરવિન્દને શુદ્ધ પ્રેમ-ભાવ હતો. લીલા પોતાની થાય, અને એની સાથે પોતે શાન્ત ગામડાનું જીવન ગાળે એ એની મહેચ્છા [૧] હતી તે પુરી પાડવાનો આજ પ્રસંગ આવ્યો જાણી આનંદ થયો. પરંતુ લગ્નની ચોરીમાં જ પોતે કાંઈ જ નથી, લીલાને લીધેજ પોતાની ગણના થઈ છે અને લીલાને બહારના દમામ બહુજ પ્રિય હોય એમ લાગવાથી ભવિષ્યમાં કદાચ સુખી નહી થવાય એમ વિચાર આવતાં ખેદ થયો. લગ્ન-લગ્નસુખના વિચારો નાશ પામ્યા, અને સુખી થવામાં માત્ર અભ્યાસ, સ્નેહ એકલાં જ જરૂરનાં નથી પરંતુ ત્યાગ, બીજાને શી રીતે સુખી કરવાં એ વિચાર સતત મન આગળ રાખી તે પ્રમાણે અમલ કરવાની ઓછી જરૂર નથી. સાદું જીવન, ઉચ્ચ વિચાર, પ્રભુપ્રેમ અને શુદ્ધ સ્નેહ હોય તો જ લગ્ન પછીનું જીવન સુખમાં જાય છે એમ અરવિન્દને લાગ્યું. પણ હવે શું કરે ? 'લીલાથી સુખ નહી મળે એવા વિચાર અનુભવ વિના અત્યારથી કરી શા માટે દુઃખી થવું એ પણ વિચાર આવ્યો.

લગ્ન થઈ રહ્યું. વરકન્યા વળાવવાનો સમય થયો. લીલા અને


  1. ૧. મોટામાં મોટી ઈચ્છા.