આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫
લીલા.


પ્રકરણ ૫ મું.

લીલા.

વસન્તલાલે અરવિન્દને મુંબઈ આવવાનું કારણ પૂછ્યું ત્યારે પહેલાં તો વાત ઉરાડી. લીલાના હાથની માગણી કરવા આવ્યો છું, એમ બોલી શકાયું નહી. આમ છતાં મુંબાઈ આવવાનું આ શિવાય બીજુ એક્કે કારણ નહોતું. લીલા અને અરવિન્દના કુટુંબ વચ્ચે સંબંધ નવો કે ઉપલકીયો નહોતો. લીલાનો ભાઈ અને અરવિન્દ બન્ને એલ્ફીન્સ્ટન કૉલેજમાં સાથે ભણતા, સાથે ઉઠતા બેસતા. અરવિન્દ અનેક વાર લીલાને ત્યાં જમ્યો હતો, રહ્યો હતો, અને કુટુમ્બનો જ માણસ હોય તેમ આવતો જતો. કાળે કરી, રોજના અવરજવરથી એકાદ છોકરી અરવિન્દ સાથે પરણે તો ખોટું નહી એમ કુટુમ્બનાં વડિલોને થયું. આ વાત અરવિન્દને કાને આવી, અને કાને આવતાં કાંઈ નવી જ વૃત્તિ ઉદ્દભવી [૧] મ્હોટી કન્યા ચંદા મ્હોટી પડે એમ ધારી ચંદા વસન્તલાલને દેવાઈ. બીજી કન્યા એક ધનાઢ્યને દેવાઈ. ત્રીજી કન્યા લીલા બાળક હતી અને અરવિન્દને એ કન્યા આપવા વિચાર ચાલતો હતો. અરવિન્દના ઘરમાં વડીલમાં એક વિધવા બહેન શિવાય કોઈ નહોતું. કૉલેજના અભ્યાસ દરમિયાન જ્યારે જ્યારે મુંબાઈ આવતો ત્યારે ત્યારે મિત્રદાવે તો લીલાને ત્યાં જ ઉતરતો. પરંતુ દુર્ભાગ્યે પ્લેગમાં ચંદા-લીલાનો ભાઈ ગુજરી ગયો અને અરવિન્દનો પગ ભારે પડ્યો. હવે કોની પાસે જવું એમ એના મનમાં થયું. આમ છતાં લીલાને પત્ની બનાવવાનો મોહ ખસ્યો નહી. અરવિન્દને કાઠિયાવાડમાં જુનાગઢ પાસેના એક નાના ગામમાં જાગીર હતી. એની ઉપજ એક તાલુકદાર જેવડી હતી. પોતે કેળવાયેલો હતો. એમર્સન, હ્યુગો, રૂસો, વૉલ્ટર, બર્કનો અભ્યાસી હતો. જુનાં શાસ્ત્રો, ધર્મપુસ્તક વાંચ્યાં હતાં. એટલે એ શાંત જીવનનો શોખીન હતો. જાગીર સાચવતો, ગરીબ વર્ગની સંભાળ લેતો અને દુનિયાની ધાંધલ–પ્રવૃત્તિથી દૂર ને દૂર રહેતો. મુંબઈ આવ્યો, લીલાને જોઈ.


  1. ૧. જાગૃત થઈ.