આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪૨
તરલા અથવા ઉર્મિનો આવેગ


હોય તો તું જુનાગઢ જા, વઢવાણ જ, પણ મુંબાઈ મારી સાથે આ વખતે આવી શું કરીશ ? મ્હારા આ દુઃખમાં-ચિંતામાં હું તારી સાથે નહીં કરી શકું વાત કે નહીં કરી શકું આનંદ. મારો ભાઈ જીવતો હશે કે મરી ગયો હશે! પાંખો હત તો અત્યારે ઉડીને જાત એમ થાય છે, ત્યાં તું..'

'હા, મ્હારે માટે ત્હમને અભિપ્રાય જ હલકો છે. મ્હારી વાત જ ત્હમને રૂચતી નથી. વઢવાણ જાઉં તો પછી મુંબાઈ કેમ નહી ? તમારા બોલવામાં જ કાંઈક ભેદ છે. શું તમારી સાથે આવવાનો મ્હારો હક નહી ? સ્ત્રીઓને ગુલામ ગણવામાં હિંદુઓ પહેલા છે એ વાત આ જ અનુભવી. અમે તમારી ગુલામડીઓ.'

'લીલા! મ્હેં ત્હને કયે દિવસ ગુલામડી ગણી? તો પછી મ્હને પરણી શું કામ? ભૂજંગલાલ ને હું બન્નેનો અનુભવ હતો !'

લીલાની આંખમાંથી આંસુ ચાલ્યાં જતાં હતાં. પુસી બન્નેના ખોળામાં દોડતી હતી પણ બેમાંથી કઈ ત્હેનો ભાવ પૂછતું નહી. અરવિન્દ નરમ થયો, લીલાને શાન્ત કરવા–સમજાવવા લાગ્યો, પણ નિરર્થક. એક સહજ અગવડ ખાતર ધરમાં ક્લેશ ન ઘાલવો એવી ઈચ્છાએ અરવિન્દ લીલાને સાથે લેવાનું નક્કી કર્યું, ને એ નક્કી થતાં લીલાનાં આંસુ સુકાયાં, મ્હોં ઉપર હસવું દેખાયું ને બન્ને પ્રેમવાતોમાં પડ્યાં, અને ઘડી ઉપર બોલાયેલા શબ્દો અત્યારે તો વિસરાઈ ગયા.