આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



ઉપોદ્‌ઘાત.

છેલ્લાં પંદર વર્ષમાં ગુજરાતી સાહિત્યે સર્વદેશીય વિકાસ સાધ્યો છે. આ સુંદર પ્રગતિને પરિણામે ગુર્જરી ગીરા નવચેતનવંતી અને ગૌરવભરી બની છે. આ સમયે આ પ્રગતિનાં પ્રેરક પુરોગામીઓને વિસરવાં ન જોઈએ. નવસાહિત્યનાં આ સર્જનમાં બહુ પ્રકાશમાં ન આવેલા અનેક લેખકોએ પોતાનો ફાળો આપ્યો છે. સાહિત્યનો ઈતિહાસકાર આવી વ્યક્તિઓને ભૂલી જઈ ઇતિહાસની પુનરાવૃત્તિ કરે તો તેમાં આશ્ચર્ય પામવા જેવું જરાય નથી. કારણ કે આ પ્રકારના શાંત કાર્યકર્તાઓએ જનતાની દૃષ્ટિ સમક્ષ પોતાની જાહેરાત કરવાની અથવા કરાવવાની તક શોધી નથી. આ યુગમાં તો “બોલે તેના બોર વેચાય.”

વિસમી સદીનાં પહેલાં બે દસકાઓમાં સાહિત્યની શાંત સેવા કરનાર એક વ્યક્તિ તે સ્વ. ભોગીન્દ્રરાવ દિવેટીયા. સ્વ. ભોગીન્દ્રરાવે ઈ. સ. ૧૯૦૭ થી ૧૯૧૭ સુધી–પોતાના જીવનના અંત સમય સુધી ઘણીય મનોરંજક નવલકથાઓ લખી. “મૃદુલા”, “ઉષાકાન્ત”, "મોહિની”, “તરલા” અને “આસીસ્ટન્ટ કલેક્ટર” આપણાં સામાજીક નવલકથાના ક્ષેત્રમાં અગ્રગણ્ય સ્થાન ભોગવે છે. આપણું સામાજીક નવલકથાનું ક્ષેત્ર હજીય સમૃદ્ધ થયું ન લેખાય. સ્વ. ગોર્વધનરામ ત્રિપાઠીના ગ્રંથમણિ પછી ઘણી જ થોડી સામાજીક નવલકથાઓ લખાઈ. ન્હાનાલાલયુગે તો ગગનસ્પર્શી ભાવનાયુક્ત કાવ્યો અને નાટક આપ્યાં, પણ સમાજનું તાદૃશ્ય પ્રતિબિંબ દર્શાવતી નવલકથાઓની હારમાળા તો સ્વ. ભોગીન્દ્રરાવે શરૂ કરી. સદ્દગત લેખક “બન્ધુસમાજ” ના એક ઉત્સાહી કાર્યકર્તા હતા; અને આ સમાજની મુખ્ય પ્રવૃત્તિ સ્ત્રી–કેળવણી અને તે દ્વારા સ્ત્રીઓની ઉન્નતિ સાધવાની હતી. આ શ્લાધ્ય કાર્યમાં સામાજીક નવલકથાના સાધનનો એમણે