આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૦
તરલા અથવા ઉર્મિનો આવેગ

 આટલું કહી બન્ને ગાડીમાંથી બહાર નિકળ્યાં. સામેથી 'બામણીયા ચાહ' વાળો છોકરો પીતળની મોટી કીટલી અને પ્યાલા લઈ આવ્યો. તરલાએ ચાહનો પ્યાલો હાથમાં લીધો. નોકર આગળ ગઈ એટલામાં ઓવરકોટ પહેરી એક કદાવર પુરૂષ તરલાની સામે આવી ઉભો. તરલા બીની, પાછી હઠી, ઉંચું જુવે છે તો ભૂજંગલાલ. બ્હીક જતી રહી કે કેમ પણ બ્હીક રહી તો નહીં જ. આનંદ થશે કે કેમ તે રામ જાણે, પણ નેત્રમાં તેજ વધ્યું. તરલાથી બે મીનીટ તો બોલાયું જ નહી છતાં શ્રમ કરી બોલીઃ

'તમે પણ સુરત આવતા હશો એ મ્હને ખબર નહી. કેમ એટલામાં ?'

'એટલામાં! એટલા જ માટે કે જ્યાં ત્હમે ત્યાં હું આથી બીજું કયું કારણ હોઈ શકે ?'

તરલા તો મુંગી જ થઈ ગઈ, પરંતુ પોતાના હૃદયમાં હર્ષ-શોક, સંતોષ-અસંતોષ થાય છે કે કેમ તે સમજી શકી નહી.

'મ્હારા બોલવાથી ખાટું લાગ્યું હોય તો ક્ષમા કરશો, પણ સાચું કહ્યા વિના રહેવાયું નહીં.'

'પણ તે સાચું છે જ નહીં. એ વાત જ ભૂલી જાઓ. આપણે એકબીજાને ઓળખતાં જ નથી એમ રહેવામાં જ લાભ છે-સુખ છે.'

'તે નહી બને. ત્હમને ભૂલવાં એ જાતને ભૂલવા બરાબર છે.'

તરલાના આખા શરીરમાં ઝનઝનાટ થઈ રહ્યો. ચાહવાળા પ્યાલો ક્યારે લઈ ગયો, પોતે પૈસા આપ્યા કે ભૂજંગલાલે ત્હેનું ભાન પણ ન રહ્યું. તરલા ઉશ્કેરાઈ ગઈ હતી–ગભરાઈ ગઈ હતી, ગાર્ડે સીટી વગાડી અને તરલા ગાડીમાં બેઠી. ગાડી ચાલી અને તરલાએ સુવાની તૈયારી કરી. પરંતુ ઉંધ આવી જ નહીં. આંખ ઉઘાડી રાખતાં સામી ભીંતે તાજમહાલનું ચિત્ર નજરે પડતું અને મીચતાં ભૂજંગલાલનું ચિત્ર આવતું. પાસાં ફરવી અર્ધીક રાત પસાર કરીને રાતના બેના સુમારે સુરત આવ્યું. ગાડીમાંથી ઉતરતાં જ સુમનલાલ નજરે પડ્યો. સુમનલાલને જોતાં જ તરલાના શરીરમાં કંપારી છૂટી. એ કંપારી સ્નેહની