આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૩
શણગારભાભીને ત્યાં પાર્ટી.

 'તરલા! તમે ભૂલો છો. ગંભીર માંદગી સાંભળી ઉલટો હું બહુ દીલગીર થયો છું. મને પુરેપુરી હકીકતની ખબર જ નથી. કાગળમાં શું લખ્યું છે ?'

એટલામાં શણગારભાભી આવ્યાં. વાત અટકી. ચાહનો બીજો પ્યાલો લેવા શણગારભાભીએ આગ્રહ કર્યો અને શણગારભાભી બીજે ગયાં.

‘તરલા ! કાગળમાં શી ખબર આવ્યા છે ?'

'ભૂજંગલાલ ! સ્ત્રીઓ જેવા પુરૂષોનાં મન દઢ નહી. બાળક એક રમકડું નાખી દઈ બીજું રમકડું લે એમ પુરૂષો એક સ્ત્રી, બીજી સ્ત્રી એમ કરી શકે. સ્ત્રીઓની સ્નેહાળ ભૂમિમાં એકને જ પ્રવેશ હોય છે. માફ કરજો, પણ મ્હારાથી કહ્યા વિના રહેવાયું નહી.' તરલા ખૂણામાં પડેલા ગોળ મેજ ઉપરના છબીઓના આલ્મબનાં પાનાં ફેરવતી બોલી.

તરલા! તમે શું કહેવા માગે છે એ હું સમજી શકતો નથી.'

તરલા થાકી ગૈ હતી. પાસે પડેલો કોચ ખાલી હતો અને તરલા તે ઉપર બેઠી. તરલાની સાથે જ પણ જરા દુર ભૂજંગલાલ પણ બેઠો.

ભૂજંગલાલ ! મારે કહેવાનું હતું તે કહ્યું. ખરે તમે બહુ જ ક્રૂર થયા છો. ત્હમારું વર્તન કેવળ દોષપાત્ર છે.'

‘તરલા ! મને આ વાતની ખબર નથી એમ તમે ધારો છો ? પણ એમાં દોષ કોનો છે ? એને જવાબદાર કોણ છે ?'

'તે હું શું જાણું ? એ સવાલ મને પૂછવાથી શું લાભ ?'

'તરલા ! તું–તમે જાણો છો.' આટલું કહેતાં જ ભૂજંગલોલ તરલાની સામે જોઈ રહ્યો. એની આંખો ક્ષણવાર મળી. તરલા એકદમ બોલીઃ

‘ત્હમારામાં હૃદયની જ ખામી છે. લાગણી જ નથી એ આ ઉપરથી જણાય છે.'

તરલા બોલતાં બોલી તો ખરી, પણ એના હૃદયમાં એક એવો ઝણેણાટ થઈ ગયો કે તે ઢીલી થઈ ગઈ. જાદુગરના હાથમાં પુતળી નાચે તેમ તે ભૂજંગલાલની હાજરીમાં વિવશ [૧] થઈ ગઈ


  1. ૧. બેબાકળી.