આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લૂંટાતો સંઘ : ૯૫
 


હું આ અંધશ્રદ્ધાળુ અને વિચિત્ર માણસ તથા ભાવનાનો વિચાર કરી રહ્યો. એટલામાં તેણે મને સમજાવ્યું:

‘કોઈને પણ શારીરિક હાનિ કર્યા વગર પોતાનું કામ કાઢી લે એ ખરા ઠગ મનાય છે. અને વગર ખૂને કામ પાર ઉતારનાર જલદીથી નાયકની પાયરીએ પહોંચે છે. સુમરાએ તો હથિયાર કદી ન વાપરવાનું અને કદી ખૂન ન કરવાનું પણ લીધું છે.’

આ સાંભળી મને જરા શાંતિ વળી. આટલા બધા નિરપરાધી મનુષ્યોને રૂમાલના એક ઝટકાથી મૃત્યુને શરણે થતા જોવા એ ખરેખર કંપારી ઉપજાવે એમ હતું; અને આઝાદે મને ઉપલી હકીકત કહી ત્યાં સુધી તો હું ફાંસામાં આવેલાં મનુષ્યોનાં હમણાં જ મુડદાં પડશે એમ ધારી કંપતો બેઠો હતો.

વધતા જતા અંધકારમાં પેલો સાધુ બોલી ઊઠ્યો :

'રામચરણ શેઠ ! તમારા રથમાં પેટી છુપાવી છે તે અમારે સ્વાધીન કરો; નહિ તો આ પેટીમાંનો પૈસો જોવા તમે જીવતા રહેવાના નથી. વાપરવાની વાત પછી છે !’

‘હા, હા, ભાઈ ! હું પેટી લાવી આપું છું.' એક સ્ત્રી વચ્ચેથી બોલી ઊઠી. 'તમે એમને છોડી દો.’

‘પેટી અમારે સ્વાધીન કરો પછી છોડવાની વાત.' સાધુએ જણાવ્યું. ગળે ફાંસો હતો, પ્રત્યેક ક્ષણે મૃત્યુ ધૂરકતું હતું; છતાં રામચરણ શેઠ બબડી ઊઠ્યો :

‘મારો જીવ લ્યો ! પણ પેટી તો હું નહિ જ આપવા દઉં. આટલી આટલી મહેનત કરી મેળવેલી મિલકત ! પરમેશ્વર તમારું ભલું નથી કરવાનો !’

મરણને કાંઠે ઊભેલા આ ધન લોભી મનુષ્યનો ધન તરફનો પક્ષપાત જોઈ સઘળા ઠગ લોકો ખડખડાટ હસી પડ્યા.

‘શેઠ ! અહીં તો જીવ જશે અને પેટીયે જશે. જો ચાળા કરશો તો.' સાધુએ જવાબ આપ્યો.

‘જરા પ્રભુનો તો ડર રાખો ?’ રામચરણે લાચાર થઈ છેવટની દલીલ કરી. જેનું કાંઈ ન ચાલે તે ઈશ્વરનો ડર બતાવવા પ્રયત્ન કરે છે. પરંતુ તેઓ જાણતા નથી કે દુનિયામાં સૌ કરતાં ઓછામાં ઓછી ડરવા જેવી વસ્તુ હોય તો તે ઈશ્વર જ હશે. ઈશ્વરના ડરથી કોણે ખોટું કામ કરવું મૂકી દીધું !

‘અમને સાધુઓને ઈશ્વરનો ડર હોય જ નહિ. શરીરે ભસ્મ ચોળી