આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છાવણીની પડોશમાં : ૯૯
 


હું વિસ્મય પામ્યો ! આટલા બધા મર્દો જીવતા છે છતાં નજીવી સંખ્યામાં આવેલા ઠગની સામે કોઈ આંગળી ઊંચી કરી શક્યું નહિ અને નિશ્ચિંતપણે ઠગ લોકો લૂંટ કરીને પસાર થયા. હિંદુસ્તાનના સામાન્ય પુરુષવર્ગમાં આવા નામર્દો હશે એની મને ખબર નહોતી. અંગ્રેજો પણ વેપારી જ હતા; પરંતુ કલમ બાજુએ મૂકી તલવારને વાપરતાં તેમણે કદી સંકોચ ધર્યો નથી. હિંદમાં વેપારી વર્ગને તલવારનું સ્વપ્ન પણ આવતું નહિ હોય ! અને સર્વદા શારીરિક બળવાળાથી લૂંટાવામાં તેમને શરમ પણ નહિ આવતી હોય એ જાણી મને સહેજ હસવું આવ્યું. મને હજી પણ ખાતરી નહોતી થતી કે સાધુઓ વગર હરકતે આમ પસાર થઈ શકે.

‘ધારો કે આ લોકો તમારા ઉપર તૂટી પડ્યા, તો ?' મેં આઝાદને કહ્યું.

'તેવો પ્રસંગ હજી આવ્યો નથી.' આઝાદે જણાવ્યું. ‘અને કદાચ તેમ થાય તો દરેક સાધુની ઝોળીમાં કટાર છે જ ! એ કટારની ઝડપમાંથી કોઈ બચે એમ નથી. વળી હું તથા ગંભીર આ બધા માટે પૂરતા છીએ.'

સાધુઓ પસાર થઈ ગયા. સાથે ગંભીર પણ ગયો હતો. એમ લાગ્યું. આઝાદને હજી સંઘવાળા લોકો તો માત્ર મારા સાથી તરીકે જ ગણતા હતા, અને અમારી નજર આગળ ઠગ લોકોએ પોતાનું પરાક્રમ દેખાડ્યું. એમ જાણી ઠગ લોકોની ભયંકર શક્તિને અણગમતે તારીફ કરતા હતા.

આઝાદે મને કહ્યું : ‘ચાલો, પેલા શેઠની પાસે જઈએ. હું અને આઝાદ રામચરણની પાસે ગયા. સઘળા લોકો શેઠનું સમાધાન કરવામાં રોકાયા હતા. તેમનો ગુસ્સો ખાસ કરીને રખેવાળો ઉપર ઊતર્યો હતો :

'આટલા પૈસા ખરચી રખેવાળો રાખ્યા અને તે કાંઈ જ કામ લાગ્યા નહિ. મારા ખરચેલા પૈસા પાણીમાં ગયા અને મારું ધન લૂંટાઈ ગયું !' આમ તેઓ બોલતા હતા.

મને જોઈને તેઓ વધારે ઊકળી ઊઠયા :

‘આ સાહેબ અહીં છતાં ઠગ લોકો મને લૂંટી ગયા ! નકામા લશ્કરો લઈને ફરો છો અને રૈયતને ગરદન મારો છો. આટલા ઠગ લોકો તો સચવાતા નથી ! રાજ્ય શાનું કરો છો ? તમારે લીધે તો અહીં મુકામ કર્યો. નહિ તો આગળ જાત. !’

ધનલોભી મનુષ્યનું ધન જાય એટલે તેને આખી દુનિયા સાથે કજિયો કરવાની ઇચ્છા થાય છે. મને તેનું કહેવું છેક ખોટું ન લાગ્યું. મને જોઈને જ આ લોકોએ અહીં મુકામ કર્યો હતો, છતાં તેમના વિશ્વાસને લાયક હું