આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 
ફાંસાનો અનુભવ
 


એ કોણ હશે એની કલ્પના કરતો હું મારા ભોમિયાઓ સાથે રસ્તો કાપવા લાગ્યો. ઠગ લોકો બાર-પંદર વર્ષની ઉમરથી બાળકોને ઠગના ધંધાની દીક્ષા આપતા આવે છે એ હું જાણતો હતો અને ઠગ લોકોમાં અપૂર્વ વિનય અને વિવેક હોય છે એની પણ મને ખબર હતી. માત્ર એ વિનય અને વિવેક નિર્દોષના ઘાતમાં પરિણામ પામતાં હતાં તેની મને ખાતરી હતી. જિજ્ઞાસા બહુ તીવ્ર થવાથી મારી સાથે આવતા માણસોમાંથી એક જણને મેં એને વિશે પૂછ્યું પણ ખરું. પરંતુ વાતચીતમાં પડવાની તેની જરા પણ ઇચ્છા દેખાઈ નહિ. ટેકરાઓ ચડતાં ઊતરતાં કેટલીક વારે અમે એક ઊંડા ડુંગરની વિશાળ સપાટી ઉપર આવ્યાં.

આ સપાટીની મધ્યમાં એક નાનો કિલ્લો દેખાયો. મારા સાથીદારને મેં કહ્યું :

‘હવે મારાથી બિલકુલ ચલાતું નથી. હું ઘણો થાકી ગયો છું. અહીંથી આગળ હવે હું વધી શકીશ નહિ.’

તે સાથીદારે જણાવ્યું :

‘આપણે મુકામની નજીક જ આવી ગયા છીએ. અંધારાને લીધે કદાચ નહિ સમજાતું હોય. પરંતુ આપણે સામા કોટ જેવા દેખાતા મકાનમાં જવાનું છે.’

મને ફરી કંપારી આવી. આ અંધકારમય રાત્રિમાં હું કોના મકાનમાં પ્રવેશ કરું છું ? મારી આજુબાજુ ચાલતા ચારે મનુષ્યો તરફ મેં જોયું. તેમની મુખમુદ્રા મને ભયંકર લાગી. પરંતુ હવે હિંમત રાખ્યા વગર બીજો ઇલાજ નહોતો. કોટના દરવાજા ખુલ્લા હતા. એક દરવાન આમતેમ ફરતો હતો. તેણે પોતાની પાસેનો એક ચોરદીવો ઊંચો કર્યો, અને અમને અંદર જવા દીધા. મને જોઈને તેને ઘણું આશ્રય લાગ્યું હશે. કારણ અમારામાંથી એક જણને તેણે સહજ રોક્યો અને કોઈ ગુપ્ત વાત કરી મારા વિષે પૂછપરછ કરી.

કોટને અડીને આવેલા વિશાળ મકાનમાં અમે દાખલ થયા.