આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણીનો વખત : ૧૩૧
 


આમ બિનરોકાણે આખો લત્તો અમે પસાર કરી દીધો. અને લશ્કરી છાવણીની જ પાસે એક પડી ગયેલી જૂની મસ્જિદ પાસે અમે આવ્યા. મસ્જિદની જોડે અડીને એક ઝૂંપડી હતી. તે ઝૂંપડી પણ અડધી પડી ગયેલી લાગતી હતી. તેમાં એક ઝીણો દીવો બળતો હતો એમ દૂરથી સમજાયું. ઝૂંપડી પાસે જતાં એક બુઢ્ઢો ફકીર હાથમાં અકીકની એક માળા લઈ ઝુંપડી અરધી ઉઘાડી રાખી બેઠેલો દેખાયો, પાસે એક દીવો હતો, થોડી અગરબત્તીઓ બળતી હતી. અને એક વાસણમાં સુવાસિત લોબાનનો ધુમાડો આાછો આછો પ્રસરી વાતાવરણને અનુકૂળ બનાવતો હતો.

‘સાહેબ ! અહીં ઊતરો.' કહી સમરસિંહ નીચે ઊતર્યો અને સાથે હું પણ ઊતર્યો. ફકીરને અમે નમસ્કાર કર્યા. તેણે આશીર્વાદ આપ્યા અને અમારે બેસવા માટે એક સારી ચટાઈ પાથરી.

'કેમ બેટા ! અત્યારે ક્યાંથી ?' ફકીરે સમરસિંહને પૂછ્યું.

‘કાંઈ નહિ. આ અમારા સાહેબને શહેર જોવું હતું એટલે તે જોવાને લાવ્યો.'

‘બહુ સારું કર્યું. ઘણું ઘણું જોવાનું આ શહેરમાં છે. કંઈક મિનારા અને મસ્જિદો છે; મંદિરો પણ સારાં છે. સાહેબોનો કેમ્પ પણ પાસે છે. કાલે બધું બતાવજે. આજે આરામ કરો.' ફકીર બોલ્યો.

અમારા લોકોની આટલી બધી નજીકમાં ઠગ લોકોનું આવું બહારથી નિર્દોષ જણાતું થાણું હોય એ ઘણું જ ભયંકર હતું. મને હવે સમજાયું કે આ ઠગ લોકો શા માટે પકડાતા નહોતા. અમારા લશ્કરના ઘણા સિપાહીઓ અને અમલદારો આ ફકીરને ઓળખતા હતા. ફકીર સિતાર ઘણો સારો વગાડતો, અને તે લઈને અમારા રહેઠાણમાં તે માગવા નીકળતો. ત્યારે ઘણાં સ્ત્રીપુરુષો હિંદી સંગીત સમજતાં ન હોવા છતાં ફકીરને બોલાવતાં, અને સિતાર વગડાવી કંઈ કંઈ વાતો કરી તેને મરજી અનુસાર ભેટ આપતાં. આવો ફકીર આટલાં વરસથી અહીં જ સ્થાન કરી રહ્યો હતો; અને તેને તથા ઠગના સરદારને આવો નિકટ સંબંધ છે એની અમને કોઈને ખબર જ ન હતી !

ફકીરે સુંદર ફળ અને સૂકો મેવો ખાવાને આપ્યાં. સમરસિંહને દૂર લઈ જઈ કાંઈ વાત તેણે કરી. પછી મને પણ તે અંદરના ભાગમાં લઈ ગયો અને એક લાકડાનું ખવાઈ ગયેલું પાટિયું ઉપાડી તેમાં અમને દાખલ થવા જણાવ્યું.

હું આવી રચનાઓથી હવે ટેવાઈ ગયો હતો. નાની નિસરણી ત્યાં મૂકેલી હતી. અમે બંને ભોંયરામાં આવેલ ઓરડામાં સૂતા.