આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણીનો વખત : ૧૩૩
 

ભરાયાં હતાં. આ કોતરમાં પાણી આવવાનો માર્ગ બંધ કર્યો હશે એમ મને લાગ્યું, કારણ ગુપ્ત માર્ગ અહીં પડતો હતો.

ફરીથી મોટી બૂમો સંભળાઈ. સમરસિંહની આંખમાં તેજ આવ્યું. તે ઝડપથી ઉપર ચડી ગયો. જે મંદિરમાં હું પ્રથમ ઊતર્યો હતો તે મંદિરના એક ભાગમાં અમે પ્રવેશ કર્યો.

બહાર બૂમો ચાલુ જ હતી અને અમે હથિયારોના ખડખડાટ પણ સાંભળ્યા. મંદિરના એક ઓરડામાં જઈ અમે કાળા ઝભ્ભા પહેરી લીધા, મોં ઉપર મુખવટા પહેર્યા અને હાથમાં હથિયાર લીધાં.

‘સાહેબ ! જીવનું જોખમ છે. પરંતુ બનશે ત્યાં સુધી તો આપને હરકત આવશે નહિ. આપ મારા તરફ ધ્યાન રાખજો અને જરૂર પડ્યે મારી પડખે રહેજો.' સમરસિંહે કહ્યું.

‘અહીં શું થાય છે ?’ મેં સહજ ધબકતે હૃદયે પૂછ્યું.

‘આપ જોયા કરજો. બનશે ત્યાં સુધી આપને કશી હરકત નહિ થવા દઉં. હરકત થશે તોય મને થશે.'

એટલું કહી અમે ઓરડામાંથી બહાર નીકળ્યા. મંદિરના મોટા ભાગમાં અમે આવ્યા. અહીં જ પેલી ભયાનક ભવાનીની મૂર્તિ બેસાડી હતી. આયેશા મને અહીં જ મળી હતી. આઝાદની પાસેથી હું અહીં જ ઊતરી આવેલો હતો.

અમારાં જ જેવાં કપડાં પહેરેલો માણસ અમને સામેથી આવતો જણાયો. સમરસિંહે ઝભ્ભો સહેજ ઊંચક્યો. તે ઘૂંટણે પડ્યો. અને ઊઠતાં ઊઠતાં હાથનો સ્વસ્તિક આકાર બનાવ્યો. મેં પણ એની નકલ કરી એટલે અમારે બંને માટે દ્વાર ખુલ્લું થયું. અમે ફરીથી એક ભયંકર સમૂહબૂમ સાંભળી.

‘બહુ જ વખતસર આવ્યા.' ધીમે રહી સમરસિંહ બોલ્યો. અને અમે એક મોટા મેદાનમાં ઊતરી આવ્યા : ચારે બાજુ પર્વતોના ટેકરાઓ વચ્ચે વિશાળ મેદાન હતું. એક પાસ ટેકરો અને બીજી પાસ એક ભયંકર ઝડપથી વહેતો વહેળો એવા સ્થળમાં લગભગ બસો માણસો અમારી જ માફક કાળાં વસ્ત્ર પહેરી બેઠાં હતાં. વચમાં બે સ્ત્રીઓને ખુલ્લે મુખે બેસાડી હતી. મેં તુરત જ એ બંને સ્ત્રીઓને ઓળખી.

એક આયેશા ને બીજી મટીલ્ડા !