આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનવ કવિતા : ૧૬૧
 

માલિકીની તુમાખીમાં આપણને ગુલામ બનાવે તો આપણે આપણી બિરાદરી પાછી જાગ્રત કરીશું. તેમની ઠગાઈ પકડવા - તેમની ઠગાઈનો તોડ કાઢવા આપણી બિરાદરીને બહુ જુદી તૈયારી જોઈશે. કદાચ છૂપી ઠગવિધા આપણે છોડી પણ દઈએ !’

‘પછી ?’ આયેશાએ પૂછ્યું.

‘બાર વર્ષના તપ પછી પાછાં મળીશું અને વિચાર કરીશું - જો એટલામાં તું આઝાદને ફકીર બનતો અટકાવી તેને ગૃહસ્થ બનાવી શકી ન હોઉં તો !'

‘જો, સમરસિંહ ! હું તને છુટ્ટો રાખવા માગું છું. મારી હાજરી પણ તને અણગમતી હોય તો આ ક્ષણે જ હું તારી દૃષ્ટિથી દૂર થઈ જાઉં છું.’

‘આયેશા ! આમ રીસ ના કરીશ.’

'રીસ નથી કરતી. તારો આદર્શ બહુ ઊંચો છે. મારી હાજરી, તને નીચે પાડે એવો તને ભય છે. તારે ખાતર - તને સુખી કરવા ખાતર - તારાથી સદાય અદ્રશ્ય થવા માગું છું.’

‘આયેશા ! મારા હૃદયમાંથી તું નહિ જાય.' જરા રહી સમરસિંહે કહ્યું.

‘તારી આંખથી દૂર થઈશ એટલે બસ ને ?’ હસીને આયેશા બોલી. પોતાને હૃદયમાં રાખનાર આંખથી દૂર કરવા હિંમત કરે એ પ્રયત્નમાં રહેલી નિષ્ફળતાને જાણે તે હસતી ન હોય !

‘હૃદય અને આંખ બહુ દૂર લાગતાં નથી.' વિચાર કરતા સમરસિંહે કહ્યું.

‘બંનેને આપણે દૂર કરીશું.’

'શી રીતે ?'

‘મારી એક અંતિમ માગણી સ્વીકાર; પછી હું કદી તારા જીવનપથમાં દેખાઈશ નહિ.’

હું ચમક્યો. દિલાવર પણ જરા હાલ્યો હોય એમ લાગ્યું. જીવનભર પ્રેમી રહેવા સર્જાયેલાં યુગલો આમ કોઈ આદર્શ ખાતર છુટ્ટાં પડે ત્યારે તેઓ શું માગે ? છેલ્લું ચુંબન ? છેલ્લું આલિંગન ? છેલ્લી પ્રેમતૃપ્તિ ?

મને સહજ કમકમી આવી. ચુંબન અને આલિંગન સુધી પ્રેમ પ્રતિષ્ઠિત રહી શકે. ચુંબન અને આલિંગનમાં પ્રેમ શોભી શકે છે. એથી આગળ વધતાં... મને કમકમી ફરી વાર આવી. દેહસંસર્ગના સ્વાભાવિક માર્ગને શા માટે જનતા બીભત્સ માને છે ? દલીલ તરીકે આગળ આવતા એ પ્રશ્ન પ્રત્યે મને સહાનુભૂતિ હોવા છતાં મને ભય લાગ્યો કે આયેશાની