આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦: ઠગ
 

કુમળા પ્રસંગો મેં અંગત રીતે ઠગ લોકોના હાથમાં પકડાઈને અનુભવ્યા હતા, તેવા પ્રસંગો જીવનભરમાં મેં અનુભવ્યા નથી. મને ખરેખર આ લોકોથી છૂટા પડવું ગમતું નહિ.

‘સાહેબ ! મોહપાશ એવો છે ! અમારા ધર્મમાં એથી જ અમે વાનપ્રસ્થ અને સંન્યસ્તની સગવડ રાખી છે. જીવન કરતાં મૃત્યુ વધારે સાચું છે. મોહ રહે છે ત્યાં સુધી મૃત્યુને મળવું કઠણ પડે.'

‘હું મૃત્યુ માટે તૈયાર થયો નથી. મારે તો હજી જીવવું છે અને સુખ ભોગવવું છે.' મેં કહ્યું.

‘આપને મારા જેવા સાધુની આષિશ છે કે આપ સુખ ભોગવો અને ખૂબ લાંબું આયુષ્ય મેળવો. મ્યાનો તૈયાર છે. આપને જ્યારે અનુકૂળતા હોય ત્યારે કહેશો.'

મેં સમરસિંહની સામે જોયું. શા માટે એ મને આટલી ઝડપથી પાછો મોકલી દેતો હતો ? પ્રથમના તરવરાટને સ્થાને સમરસિંહની આાંખમાં ઘેરી ઊંડી શાંતિ - કે વિષાદ ? - હું જોઈ શક્યો.

‘મારે ન જવું હોય તો ?' મેં કહ્યું.

‘આપને આ સ્થળ સોંપી દઈશું.' સમરસિંહે હસીને કહ્યું.

મારે જવાની ઉતાવળ ન હતી. મારે ઘણી બાબતો પૂછવાની હતી. એ સમરસિંહ ન સમજતો હોય એમ હું માની શક્યો નહિ. છતાં મારાથી અહીં સતત રહેવાય એમ તો હતું જ નહિ. ઠગ લોકોનાં જીવનનો અભ્યાસ કરવા માટે મને સરકારે અહીં નીમ્યો ન હતો; એમના જીવનના રસિક પ્રસંગોથી મોહ પામવા માટે મારી યોજના થઈ ન હતી. છતાં મને ખેંચીને તેમના જીવનમાં લાવનાર સમરસિંહના જીવનમાં મને રસ પડે એવો હું હૃદયહીન ન હતો. નોકરી કરતાં, ફરજ બજાવતાં, લશ્કરી કામ કરતાં જે માનવતા જડે છે તે ફેંકી દેવાની નથી. માણસો મારતાં ઘણી વખત માનવતા મળે છે.

‘પણ હું એકલો શું કરીશ ? મેં કહ્યું.

‘આવો, સાહેબ ! હું આપને છેલ્લાં માતાજીનાં દર્શન કરાવું. એમાં ઈસુ ખ્રિસ્તની માતા તમને દેખાશે.' સમરસિંહે કહ્યું, અને મને આગળ દોર્યો. ભયંકર ભવાનીમાં ઈસુની માતા ? મને અણગમો આવ્યો. એ સરખામણી મને ગમી નહિ, છતાં આ સજ્જન ભેદી ઠગની સાથે જેટલો સમય વિતાવી શકાય એટલો સારો એમ તો હું માનતો જ હતો.

એ જ ભવ્ય અને ભયાનક મંદિરની અંદર અમે વિચિત્ર ગુપ્તદ્વારોમાં