આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨ : ઠગ
 


‘અમારા ગુનેગારોને આ દેવી સમક્ષ રાતદિવસ રાખવાની અમે સજા કરતા.' સમરસિંહે કહ્યું.

‘સજા ઘણી ભારે. ગુનેગાર સતત દેવીને જુએ તો ઘેલો બની જાય.' મેં કહ્યું.

‘છતાં ગુનેગાર ઉપર અસર ન થાય તો દેવી પાસે તેને સજા પણ કરાવતા.'

‘એ શી રીતે ?'

‘આ મૂર્તિનું એકેએક અંગ યંત્રમય છે. દેવી ખડ્રગ પણ ઉઠાવી શકે છે, દેવી પગ નીચે માનવીને કચરી શકે છે, દેવીના નખ ગુનેગારના દેહમાં પરોવી શકાય એમ છે...' કાંઈ આછી કળ દબાવી પ્રત્યેક પ્રયોગ બતાવતાં સમરસિંહે દેવીને જીવંત બનાવી દીધી. દેવીની આ યાંત્રિક હિલચાલે તેની ભયંકરતામાં ઘણો વધારો કર્યો. હું ગભરાઈ ઊઠ્યો :

‘બસ ! હવે મને આ ક્રૂર દૃશ્ય ન બતાવશો.'

'સારું, પણ તમારી જંજાળ કરતાં અમારી દેવી વધારે ક્રૂર હશે ? ભવિષ્યમાં યાદ રાખજો કે તમારી તોપની ભયંકરતા વધી ન જાય.'

હું એની શિખામણ સાંભળવા તૈયાર ન હતો. મને ત્યાંથી નાસી જવાની ઈચ્છા થઈ.

‘હવે ક્યાં સુધી અહીં રહેવું છે ?’ મેં પૂછ્યું.

‘કેમ સાહેબ ! દૃશ્ય ન ગમ્યુ ?’

‘ના.’ મેં સ્પષ્ટ વાત કહી.

‘સાહેબ ! આ દેવી તો પ્રકૃતિની નાનકડી મૂર્તિ છે; પ્રકૃતિ આથી પણ વધારે ભયાનક છે.’

'હશે. પણ હું ભયાનકતા જોઈ હવે ધરાઈ ગયો છું.’

‘મંદિરની બહાર નીકળો ત્યારે આ દૃશ્ય યાદ રાખજો. તમારું લશ્કર, તમારું રાજ્ય, તમારા કાયદા, તમારા રિવાજ, તમારું ભણતર, તમારો પૈસો, તમારી બુદ્ધિ બિનગુનેગારનો ભોગ ન લે એ જોજો. અમારી ભવાની તો ગુનેગારને જ શિક્ષા કરે છે.’

‘દૃશ્ય ભુલાય એવું તો નથી જ.’

‘તમને વધારે ઊંડાણમાં લઈ જાઉં.' કહી સમરસિંહે એક ડગલું આગળ વધી દેવી પાસે ઊભો રહ્યો. અને દેવીના હાથમાં રહેલી ખોપરીનો તેણે સહજ સ્પર્શ કર્યો. આખી મૂર્તિ જાણે સમેટાઈ જતી હોય એમ મને ભાસ થયો. એ મૂર્તિને સ્થાને એક મોટો પણ અર્ધ ખુલ્લો સ્તંભ રચાયો હોય એમ