આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 
ચમકાવતી સાબિતી
 


‘જુઓ, તમે ઠગ છો એ વાત કબૂલ કરી બધી હકીકત મને જણાવશો તો તમને બચાવી લઈશ. અને... અને જાગીર અપાવવાની પણ સરકારને ભલામણ કરીશ.’ મેં લાલચ બતાવી.

‘શું મને ટોંકનો નવાબ બનાવશો ?’ રીસ ચડે એવા ઉચ્ચારે તેણે પૂછ્યું. પીંઢારાઓના એક સરદારને જાગીર આપી મેળવી લીધો હતો. એ વાત હજી તાજી જ હતી. મને રીસ ચડી છે એમ ખાતરી કર્યા પછી જાણે વધારે રીસ ચડાવવી હોય એમ તેણે મને પૂછ્યું :

‘અને હું નહિ કહું તો ?'

મને લાગ્યું કે મારે પૂરેપૂરું રૂપ બતાવવું પડશે. એકદમ મારી કમરેથી ચકચકતો છરો મેં ખેચી કાઢ્યો અને આંખ મીંચી ઊઘડે એટલામાં તો તેની ખુરશી પાસે ફાળ ભરી તેની છાતી સામો છરો ધરી હું ઊભો.

‘જો નહિ કહે તો આ મારો છરો બધી હકીકત કહેવડાવશે. ગોરા લોકો પાસે છિછલ્લાપણું કે છોકરવાદી ચાલશે નહિ. ફરજની વાતમાં અમારું કોઈ સગું કે મિત્ર છે જ નહિ !’

‘છરાનો ઉપયોગ આપને ફાવશે ? ગોરાઓ તો ગોળીબારે જીતે છે !' તેણે કહ્યું. તેના મુખ ઉપર સહજ પણ ફેરફારનાં ચિહ્ન જણાયાં નહિ. તેની નિર્ભયતા જોઈ હું ખરેખર ચકિત થઈ ગયો. છાતી સામે મૃત્યુ ચમકતું હતું છતાં એ યુવક ઉપર અસર ન થઈ એમાં તેની બહાદુરી આગળ તરી આવતી હતી કે તેની ફિલસૂફી ?

‘છરાનો ઉપયોગ કરવામાં હું પાછો નહિ પડું.' મેં જવાબ આપ્યો.

છાતી સામે છરો હોવા છતાં તેને કશી જ અસર કેમ ન થઈ એનો હું વિચાર કરું તે પહેલાં તો તેણે ચપળતાથી અને સહજ ગાંભીર્યથી મને કહ્યું: ‘આપની પાછળ સહજ જુઓ. મને મારતાં તમને શું થશે તેનો સહજ વિચાર કરો.'

મેં દૃષ્ટિ સ્વાભાવિક રીતે જરા પાછી ફેરવી, અને વીજળીની ઝડપ તથા વજ્ર્ના ભારનો મારા હાથને અનુભવ થયો. ખુરશી ઉપર બેઠે બેઠે