આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણધારી હાર : ૨૭
 

ઝપાઝપી અને બુમરાણની ગૂંચવણ વચ્ચે વૃદ્ધ સાધુએ પેગડા ઉપર ઊભા થઈ મારી ટોપી મારે માથેથી ખેંચી લીધી. અંધારું આ જગાએ વિશેષ હતું અને પાછળ બળતા તંબુઓનું અજવાળું કોઈને પણ ઝંખવી નાખે એવી સ્થિતિ ઊભી કરતું હતું.

‘દૂર હઠો ! અહીં કેમ ફાંફાં મારો છો ? તમારું સ્થાન તો લશ્કરીઓ સામે છે.' સાધુએ મોટેથી ત્રાડ પાડી.

ટોળું અટક્યું - સાધુને ટોળાનાં માણસો ઓળખતા લાગ્યાં.

‘જય નારાયણ !’ ટોળામાંથી એક અવાજ આવ્યો. ‘સાહેબ તંબુમાંથી નાસી ગયા લાગે છે. તેની ખોળમાં છીએ.'

‘અરે હા ! તે હમણાં જ છટકી ગયો. એને પકડતાં એની ટોપી મારા હાથમાં આવી, અને એ નાસી છૂટ્યો. અમે એની પાછળ જ છીએ. ચાલો, ખસી જાઓ વચમાંથી ! તમારે એની પાછળ પડવાની જરૂર નથી.' આટલું બોલી વૃદ્ધ સાધુએ મારી ટોપી ટોળા તરફ ફેંકી અને ઘોડાને એડી મારી તે આગળ વધ્યો, તેને જવાની જગા થઈ. હું ટટાર થયો અને તેની જોડે જોડે જ મેં પણ ઘોડાને આછા અંધકારમાં દોડાવી મૂક્યો.