આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નાખી હતી : અલબત્ત, છેક ઇતિહાસ વાંચ્યા વગર જ લખી નાખેલી નહિ.

પરંતુ આ પુસ્તક છપાવવાનો પ્રસંગ મારા પ્રકાશકોએ મને આપ્યો ત્યારે ગુપ્ત મંડળો અને ખાસ કરી ‘ઠગ’ ટોળીનો જરા વધારે અભ્યાસ કરવાની વૃત્તિ થઈ. તેને પરિણામે મારી ખાતરી થઈ કે ઠગની સંસ્થામાં અને ઠગનાં આગેવાન સ્ત્રીપુરુષોમાં મેં કલ્પેલા અગર ઝાંખા જોયેલા ઉચ્ચ કક્ષાના ગુણો એ માત્ર તરંગ કે મિથ્યા સ્વદેશાભિમાન ન હતું. એટલે વગર સંકોચે આ પુસ્તક હું પ્રગટ થવા દઉં છું. આ નવલકથા તદ્દન કલ્પિત છે; એમાંનાં પાત્રો ઐતિહાસિક નથી - માત્ર કર્નલ સ્લિમાન સિવાય. પરંતુ જે રીતે સ્લિમાનને વાર્તા કહેનાર તરીકે મેં ગોઠવ્યો છે તે રીતે તો કલ્પિત જ છે. સ્લિમાનના પડછાયા નીચે મેં નવું જ કલ્પિત પાત્ર ઊભું કર્યું છે.

આખી વાર્તા કલ્પિત હોવા છતાં એમાં ઐતિહાસિક દૃષ્ટિ બને એટલી સાચવી છે. અને મારા વલણને અંગ્રેજી લેખકનો પણ ટેકો મળે છે એ સમજી શકાય એ અર્થે ગુપ્ત મંડળીઓ અને ઠગની સંસ્થાના મારા ઉતાવળા અભ્યાસની નોંધ ઉપરથી એક લાંબો અને શુષ્ક લેખ તૈયાર કરેલો પહેલા પરિશિષ્ટમાં આપ્યો છે. ગુપ્ત ટોળીઓના અભ્યાસની સહજ વૃત્તિ પણ એથી જાગે તો એ લેખ સાર્થક થશે.

આપણા પરદેશગમનના ભ્રમને દૂર કરે એવો એક અંગ્રેજી ઉતારો પણ પરિશિષ્ટ બીજામાં આપ્યો છે. વચલા યુગમાં આપણા હિંદવાસીઓ મધ્ય એશિયા કે પશ્ચિમ એશિયા સાથે બહુ સંબંધમાં આવતા હતા. એવું ઠગની વાર્તામાં કરેલું અસ્પષ્ટ સૂચન એ લેખથી ઐતિહાસિક આધાર પામે છે.

વાર્તામાં આવતા સ્ત્રીપાત્ર ‘આયેશા’ને નામે વાર્તા પ્રસિદ્ધ કરવાનો પ્રથમ વિચાર હતો. પરંતુ એ પાત્ર મહત્ત્વનું હોવા છતાં તે આખી વાર્તા ઉપર ફરી વળતું ન હોવાથી મૂળ નામ પ્રમાણે વાર્તાને ‘ઠગ’ એટલું જ નામ આપવું વાસ્તવિક લાગ્યું છે - જોકે પ્રકાશકોને તો ‘આયેશા’ નામ આપવાની પૂર્ણ ઇચ્છા હતી.

નવલકથામાં કલા તો જે હોય તે ખરી. મારી નવલકથાઓ ઠીક ઠીક વંચાય છે એમ મારી ખાતરી કરી આપવા છતાં તે વિષે બહુ ઊંચો અભિપ્રાય બાંધી દેવાની ભૂલ મારાથી ન થઈ જાય એટલું જ હું ઇચ્છું છું.

૨૫ એપ્રિલ, ૧૯૩૮
વડોદરા
રમણલાલ વસંતલાલ દેસાઈ