આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મટીલ્ડા:૫૭
 

બાંધી પાછા મૂકી દીધા. આસપાસ જોઈ તેણે તાકું બંધ કર્યું. તાકું બંધ થતાં ત્યાં જાણે સાધારણ ભીંત હોય એવો દેખાવ થઈ ગયો. વચમાં વચમાં તે મારા તરફ જોતો હતો અને હું જાગતો નથી એમ ખાતરી થતાં તે કાગળો તપાસવાના કામે લાગતો. તાકું ખોલવાની તરકીબ પણ મેં સમજી લીધી. ધીમે પગલે તે મારી તરફ આવ્યો. ઊંઘના સર્વે ચિહ્નો મેં મુખ ઉપર પ્રગટ કરી દીધેલાં જ હતાં, એટલે તે બાબતની તેને ખાતરી થઈ અને પ્રસન્ન ચિત્તે તે ઓરડામાંથી ચાલ્યો ગયો.

તે ગયો અને બીજું કોઈ આવતું નથી એમ પ્રતીતિ થતાં હું ઊભો થયો. દ્વારને અંદરથી બંધ કર્યું, અને હું પેલા ભેદી તાકા તરફ ગયો. એક નાની ખીલી દબાવતાં ભીંત ખસી ગઈ અને તેને સ્થાને પેલું તાકું ખૂલી આગળ આવ્યું. અંદરથી કાગળનું પોટકું કાઢી લઈ મારી ખુરશી ઉપર આવી હું પાછો બેઠો. કાગળો ખોલતાં હું આભો જ બની ગયો !

મારા આશ્વર્યનો અનુભવ અદ્ભુત છે. પરંતુ કાગળો જોતાં મને જે અજાયબીની લાગણી થઈ તે હું કદી ભૂલીશ નહિ. મારી આંખો ફાટી ગઈ અને બે હોઠ છૂટા પડી ગયા. આ ભયંકર ઠગ લોકો માત્ર લોકોનાં ગળાં દબાવી ફાંસિયાઓનો જ ધંધો કરે છે એમ સર્વનો ખ્યાલ હતો, પરંતુ કોઈએ સ્વપ્નને પણ ધાર્યું નહિ હોય કે હિંદુસ્તાનમાં તો શું પણ હિંદુસ્તાન બહારનાં રાજ્યો સાથે પણ મસલતો ચલાવતી આ ભયાનક ઠગમંડળી તો અનેક રાજકીય કારસ્તાનો કર્યા કરતી હતી અને પોતાનો મુખ્ય ઉદ્દેશ બહાર ન પડે એ અર્થે સહુને ભુલાવામાં નાખવા માટે ફાંસિયાનો ધંધો કરતી હતી.

હિંદુસ્તાનમાંથી તિબેટ, ચીન અને અફઘાનિસ્તાનમાં જવાના રસ્તાઓના નકશા હિંદુસ્તાનના કેટલાય છુપા માગોં અને છૂપાં પરંતુ મજબૂત સ્થાનોનાં ચિત્રો મારા જોવામાં આવ્યાં. એ જોઈને મને તેમની વ્યવસ્થાશક્તિ માટે માન ઉત્પન્ન થયું. પરંતુ જ્યારે કેટલાક કાગળો મારા વાંચવામાં આવ્યાં ત્યારે જ મને સમજાયું કે આ ટોળીના આગેવાનો હિંદુસ્તાન અને હિંદુસ્તાન બહાર ચાલતી કેટલીક પ્રચંડ ચળવળોમાં આગળ પડતો ભાગ લેતા હતા. તેમને હૈદર અને ટીપુ સાથે સંબંધ હતો; સિંધિયા, હોલ્કર, પેશ્વા અને ભોંસલે તેમની સહાય મેળવવા સ્પર્ધા કરતા, રજપૂતાનાનાં રાજ્યો અને શીખ લોકો પણ તેમની મિત્રાચારીની યાચના કરતા ! પરંતુ એટલેથી ન અટકતાં તેમનો વ્યવહાર નેપાળ, ભૂતાન, બ્રહ્મદેશ અને કાબુલ સુધી લંબાયો હતો. વળી તાર્તરી અને રશિયા જેવા દૂરના પ્રદેશમાંથી તેમની સાથે મસલતો ચાલતી હતી. એ વાત મારા