આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્યમવર્ગનું અર્થશાસ્ત્રઃ ૯૭
 

શકાય નહિ એવી પરિસ્થિતિ જીવનમાં ઉત્પન્ન થાય ત્યારે એ દોષ પધરાવી દેવાના સાધન તરીકે ઈશ્વર ઠીક કામ લાગે છે ! સરલા બીજું કહી પણ શું શકે ?

'કરવા ગઈ સારું કે તમને બન્નેને હું ચમકાવીશ ! ત્યાં ભાઈને જ વાંકું પડે એમ બની ગયું ! વાંક મારો જ કે મેં કૅશબૉક્સમાં રૂપિયા નાખતી વખતે તમને કાંઈ કહ્યું નહિ.' તારાએ કહ્યું.

'વાંક કોઈનો પણ નહિ. તારાબહેન ! વાંક મારી વિધાત્રીનો.' સરલાએ કહ્યું અને કિશોર એકાએક બહારથી આવી પોતાની ખુરશીમાં બેસી ગયો. સરલાનું છેલ્લું વાક્ય કિશોરે સાંભળ્યું હશે કે શું ? સરલાને ચિંતા થઈ, પરંતુ બોલવા બોલવામાં વાત બગડી જાય છે એવો અનુભવ સરલાને આજ થઈ ચૂક્યો હતો. પરંતુ લાડકી તારાથી બોલ્યા વિના રહેવાયું નહિ. એણે કહ્યું :

'ભાઈ ! ખરેખર શું બન્યું એ જાણવા માટે હું દર્શનને બોલાવી લાવું?'

‘એને બોલાવી લાવવો પડે એમ છે જ ક્યાં ?' સહજ તિરસ્કારભર્યું વલણ દર્શાવી કિશોરે બહેનને જવાબ આપ્યો.

'કેમ એમ ભાઈ ? બોલાવ્યા વિના એ કદી આપણા ઘરમાં આવતા નથી.' તારાએ દર્શનનું ઉપરાણું લીધું.

‘હા, તે હું જાણું છું. તમે બોલાવશો પણ ખરાં અને એ આવશે પણ ખરા... જમવા માટે તો જરૂર !' કિશોરે પોતાની કડકાઈ ચાલુ રાખી બહેનને જવાબ આપ્યો. કદી હલકાઈ પ્રદર્શિત ન કરતો કિશોર આજ આગ્રહ કરી બોલાવાતા મહેમાન માટે હલકા શબ્દો ઉચ્ચારી શક્યો. જવાબમાં તારાએ જરા ઉશ્કેરાટથી કહ્યું :

'ના, ભાઈ આજ તો એમણે આવવાની ના પાડી છે. જો આપણે એમને પેઈંગ ગેસ્ટ તરીકે ગયા મહિનાથી ન સ્વીકારીએ તો.'

‘પેઈંગ ગેસ્ટ ! હું જાણું છું કે એને કેટલો પગાર મળે છે તે !' કિશોરે કહ્યું. તેની વાણીમાં તિરસ્કાર અને કડવાશ વધ્યે જતાં હતાં. એની સાથે અત્યારે પૈસા વિષે કે દર્શન વિષે કોઈ પણ વાત કરવી તે એની કડવાશને ફૂલ ચડાવવા બરાબ હતું. ભોજાઈ-નણંદ શાંત રહ્યાં - થોડીક ક્ષણ સુધી. કિશોર તો ઘણું બોલતો જ નહિ. એ પણ વગર બોલ્યે પોતાની ખુરશી ઉપર બેઠો બેઠો ભીંત સામે જોયા કરતો હતો. એની દ્રષ્ટિ ભીંતને જોતી ન હતી; ભીંતને ઓળંગી એની દૃષ્ટિ આખા માનવ જીવન ઉપર ફરી વળતી હતી. સગી પત્ની પણ પૈસાની બાબતમાં જૂઠું બોલી શકે છે એ સત્ય કિશોરને