આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦: ત્રિશંકુ
 

બચાવવાનો પ્રયત્ન કર્યો અને કિશોર વચનભંગ થાય એની કોઈએ પરવા ન રાખી ! હવે પૈસામાં વિશ્વાસ પણ કોનો રખાય ? ધન ખૂટે તે ક્ષણે કોઈ જ સગું નહિ અને કોઈ જ વહાલું નહિ ! દુનિયામાં શું એ જ ક્રમ હશે?

દર્શનને એ રાત્રે કોઈએ જમવા બોલાવ્યો નહિ. એણે એ જ રાત્રે તારા સાથે સરલાને કહાવ્યું હતું કે તેને 'પેઈંગ ગેસ્ટ' તરીકે ખાધાખર્ચ લઈને જમાડે તો જ હવે તેણે જમવું. કોઈએ તેને સંદેશો મોકલ્યો નહિ. તેના સિતારનો તાર પણ તૂટી ગયો હતો. કિશોરની કલ્લોલતી ઓરડી રોજ કરતાં વહેલી શાંત થઈ ગઈ હતી. ચાહીને જવાની તેને અત્યારે ઈચ્છા થઈ નહિ. ધનિકો વિરુદ્ધના બેચાર સખ્ત લેખ તેણે ભૂખે પેટે લખી નાખ્યા. રાત એમની એમ વીતી ગઈ. પ્રભાત થયું. પ્રભાત પણ વીતી ગયું અને સહુને પોતપોતાના ધંધા ઉપર જવાનો સમય પણ થયો. કિશોરની ઓરડીનું બારણું ઊઘડ્યું, અને કિશોર કપડાં પહેરી તૈયાર થઈ ઑફિસમાં જવા બહાર નીકળ્યો. નિત્યનિયમ પ્રમાણે અમર અને શોભા બન્ને બાળકો જતી વખતે પિતાને વળગી પડ્યાં. ઓરડીનાં બારણાંમાંથી તારા અને સરલા આ નિત્યક્રમ જોતાં હતાં અને સાંભળતાં હતાં. રોજની માફક આજ પુત્ર અમરે કહ્યું:

'આજ શું લાવશો, પપ્પા ?'

‘લાવીશું કાંઈ !' કિશોરે તોછડાઈથી પુત્રને જવાબ આપ્યો. પિતાની તોછડાઈ જોઈ, તેને વળગેલો પુત્ર તેના મુખ સામે જોઈ રહ્યો. રમતિયાળ પુત્રી શોભાએ કહ્યું :

‘પણ પપ્પા! કાલે તમે લાવવાનું કહ્યું હતું અને કાંઈ લાવ્યા તો નહિ?'

'કહ્યું તો ખરું કે કાંઈ લાવીશ. ચાલો, ખસો. મને વાર થાય છે !... મારો જીવ પાછો લાવીશ તો મારે માટે બસ છે !' કહેતાં કહેતાં કિશોરે બાળકોને ખસેડી આગળ ડગલાં ભર્યા.

દર્શન પોતાની ઓરડીમાંથી આ આખું દ્રશ્ય જોઈ રહ્યો હતો. પિતા અને પુત્રપુત્રી વચ્ચેનો અનેક મીઠાં સંબંધોનો દર્શન સાક્ષી હતો. આજ એ સંબંધ-મીઠાશ એના જોવા-સાંભળવામાં આવી નહિ. વળી રોજ કરતાં કિશોર સહજ વહેલો ઑફિસમાં જવા નીકળ્યો હતો. દર્શનને પોતાને પણ લાગ્યું કે ગઈ કાલ રાતથી આ કુટુંબના વાતાવરણમાં કોઈ શયતાની તત્ત્વે પ્રવેશ કર્યો છે. એનાથી રહેવાયું નહિ એટલે એ આગળ આવ્યો અને કિશોરની સામે ઊભા રહી પ્રશ્ન કર્યો :

'કિશોરભાઈ ! આજ જરા વહેલા ચાલ્યા કંઈ ?'