આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચાલીની ઓરડીઓમાં:૩
 

અને વધારાની આજ્ઞા પણ કારકુનને આપી :

‘પગારની બધી જ રકમ તમે જાતે જઈ બેન્કમાં મારે ખાતે જમા કરાવી આવો.'

'બધી જ ?’ સાહેબના આર્થિક આયોજન-નિયોજનથી ન ટેવાયેલા કારકુને જરા પ્રશ્ન કર્યો. આખો પગાર બેન્કમાં મૂકવાની ક્રિયા તેને સમજાઈ નહિ. કારકુને આખો તો શું, પણ અડધો કે પા પગાર પણ કદી બેન્કમાં મૂક્યો ન હતો !

પરંતુ સાહેબે તેને ફરી સમજ પાડી :

'હા; બધી જ બેન્કમાં મૂકો.'

‘પણ પછી આખો મહિનો...' બેન્કની સાથેનો જીવંત વ્યક્તિગત સંબંધ ન સમજી શકતા કારકુને હજી શંકા કરી.

'તમે કેમ સમજતા નથી ? હજી ભથ્થુ આવવાનું છે ને ? એમાંથી મહિનો તો નીકળી જશે. હું કહું તેમ પગાર મારે ખાતે જમે કરી આવો.' સાહેબે કારકુનની શંકા દૂર કરી. કારકુનને હવે ખબર પડી કે કેટલાય સાહેબોનું ભથ્થુ આખા માસનો ઘરખર્ચ નિભાવે એટલું હોય છે... અલબત્ત, કારકુનને એવું ભથ્થું મળતું નહિ અને મળે એવી શક્યતા પણ ન હતી.

સરલાએ તત્કાળ બીજું દ્રશ્ય નિહાળ્યું. એક સરકારી કચેરી છે; કારકુનોની સામે પગારનાં પડીકાં પડ્યાં છે; બધાય કારકુનોના હાથ પોતપોતાનાં પડીકાં ઉપર ફેરવાઈ રહ્યા છે - અત્યંત ભારપૂર્વક ! કોઈ રસિક પતિ ભાગ્યે આવા પ્રેમથી પોતાની પત્નીના અંગ ઉપર હાથ ફેરવી શકતો હશે ! ભાગ્યે જ કોઈ માતા આવો વાત્સલ્યભર્યો હાથ પોતાના બાળકના મુખ ઉપર પ્રસારતી હશે ! એક યુવાન કારકુનથી બોલાઈ ગયુંઃ

'આજ આનંદનો દિવસ !'

બીજા રીઢા કારકુને પૂછ્યું :

'કેમ આનંદનો દિવસ? ખાસ કાંઈ છે ?'

'આજે સિનેમા જોવા જઈશું.’ આનંદનું કારણ કારકુને આપ્યું.

'વહુને લઈને જવાના હશો ! ખરું ? એક વૃદ્ધ કારકુને પોતાની પૂર્વજિંદગીનો ખ્યાલ કરી યુવાન કારકુનની મશ્કરી કરી.

'હા. કેમ નહિ ?' યુવાને બહાદુરીભર્યો જવાબ આપ્યો.

'હા, હા, કેમ નહિ? વહુ જોવા જેવી હોય તે લઈ જ જાઓ ને ?' વૃદ્ધે યુવાનની બહાદુરીને બાળી નાખતી ટીકા કરી અને સહુને હસાવ્યા.