આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગૃહસ્થાઈમાંથી ગુંડાગીરીઃ ૧૧૭
 

દાઝેલો હાથ પંપાળતો ઊભો રહ્યો. શું કરવું તેની એને તત્કાલ સમજ પડી નહિ. થોડી વાર જોઈ શેઠસાહેબે પૂછ્યું :

'બોલો, શું છે? તમને નોટો આપી હતી તે તો પહોંચાડી આવ્યા છો ને ?'

'ના, જી. આપના સુખી મેનેજરસાહેબ ક્લબનો આનંદ લેતા દસ સાડા દસ વાગ્યા સુધી એમને ઘેર આવ્યા ન હતા એટલે મારાથી મળાયું નહિ.'

‘તો... અહીં આવવાને બદલે ત્યાં જ બેસવું હતું. હજી જઈને આપી આવો.'

'શેઠસાહેબ ! એમને આપવાના પૈસા... મારી પાસેથી ગુમ થયા છે.'

'કિશોર ! એ કરામત હવે જૂની થઈ !... રસ્તામાં છરી દેખાડી મને લૂંટી લીધો... કાળા ઝભાવાળાઓએ મુખમાં ડૂચા ખોસ્યા... મારા માથામાં રેતીની થેલી મારી મને બેભાન કર્યો... એવાં એવાં વર્ણનો મારે ન જોઈએ. એ અમેરિકાની વાર્તાઓને રહેવા દો.' શેઠસાહેબની સુસ્તી જરા ઊડી ગઈ. શાંતિ માગતો શરાબ દેહમાં જરા ઊકળવા લાગ્યો.

'વર્ણન છે જ નહિ. માનો તો મનાય એવી સાદી વાત છે; અને ન માનો તો હું પુરાવા સાથે આવ્યો છું, સાચી હકીકત કહેવા.'

'જે કહેવું હોય તે કહી નાખો ને? આટલું પીંજણ શાને માટે કરો છો?'

'સાહેબ ! મારા ત્રણચાર વર્ષના દીકરાએ બધી નોટો બાળી નાખી. બચ્યા એ નોટોના કકડા અને રાખોડી હું લઈ આવ્યો છું; એટલું કહી કિશોરે થોડી રાખોડી, બચેલી નોટોના કકડા અને બળેલા કાગળોવાળો રૂમાલ ખુલ્લો કરી શેઠસાહેબની સામે એક ટીપોઈ ઉપર મૂકી દીધો. તેના હાથ દાઝેલા હતા તે તરફ શેઠસાહેબે જોયું કે નહિ, તે શેઠસાહેબ જ જાણે! તેમણે તો કહ્યું :

'કહેતા બી દીવાના ઔર સુનતા બી દીવાના! તમારી વાત સાથે મારે સંબંધ નથી; તમારા ત્રણ ચાર વર્ષના છોકરા સાથે મારે સંબંધ નથી. મારે મારા રૂપિયા સાથે સંબંધ છે ! સવારે એ મિલમાં પહોંચવા જ જોઈએ.'

'શેઠસાહેબ ! મને કાંઈ જ સમજ પડતી નથી. હું ઘેલો થઈ જાઉં એમ લાગે છે. હું ક્યાંથી મિલમાં રૂપિયા પહોંચાડી દઉં ? હું વેચાઉ તોય મને કોઈ એટલી રકમ ન આપે !'

‘તમારા સિવાય બીજું ઘણું વેચાય એવું તમારી પાસે હશે...'

'હા જી. મારાં બાળકો... મારી બહેન... અને મારી પત્ની...' કિશોર