આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦:ત્રિશંકુ
 

એમાં ઊતરેલાં છીએ.' દર્શને ફિલસૂફીનું ઉચ્ચારણ કર્યું.

'જીવન એ સંગ્રામ હોય તો હું પણ એમાં ઊતરીશ ! આજ સુધી તો હું પડદા પાછળની રૂપાળી પૂતળી હતી; હવે હું કિશોરની પૂતળી નહિ પણ કિશોરની પત્ની બની રહીશ.'

‘તો મારી સાથે જરા ન આવો, ભાભી ? આપણે ભાઈને મળી આવીએ.' દર્શને કહ્યું.

'મળી શકાશે ?' સરલાએ પૂછ્યું.

'પ્રયત્ન કરી જોઈએ.' દર્શને કહ્યું.

'ક્યાં હશે એ ? ખરેખર ?'

‘જ્યાં હશે ત્યાં. એ વધારે જાણવાની જરૂર નથી.' દર્શને કહ્યું.

'મા ! અમે આવીએ ?' શોભાએ પણ પોતાના પિતા પાસે જવાની ઈચ્છા પ્રદર્શિત કરી. એને ક્યાંથી ખબર હોય કે એનો પિતા એવી જગ્યાએ હતો કે જ્યાં બાળકો ન જ જાય એ વધારે સારું?

‘ના; ફોઈ પાસે બેસો.' કહી સરલાએ બાળકોને જ માત્ર નહિ પરંતુ તારાને પણ પોતાની સાથે આવવાની ઈચ્છા હોય તો તે ઉપર પણ મનાઈ ફરમાવી. છોકરાંને બીજી બાજુ દોરવા માટે દર્શને પણ જતાં જતાં કહ્યું :

'જો પેલી બિલ્લી તમને યાદ કરે છે. એને દૂધ પાઓ બન્ને જણ.' દર્શન બિલ્લી સામે આંગળી તો કરી પરંતુ તારાની પાસે જ અડીને એ બિલાડી બેઠેલી હોવાથી એ આંગળી તારા સામે પણ ચીંધાઈ. તારાએ જરા દર્શન સામે જોયું, સરલા અને દર્શને જવા માંડ્યું એટલામાં પોતાની સામે દોરાયલી આંગળીના જવાબ રૂપે તારાએ પણ કહ્યું :

‘આ જાનવરો પણ ભારરૂપ છે...માણસ જાતને ખભે... પુરુષોની માફક.'

તારાના શબ્દો સાંભળી દર્શને જરા પાછળ જોયું ખરું, પરંતુ અત્યારે યુવતીઓની ટીકાઓના જવાબ આપવાનો સમય ન હતો.

દર્શન અને સરલા બહાર નીકળ્યાં. પ્રથમ ક્યાં જવું તેનો દર્શને નિર્ણય કરી લીધો. સીધા પોલીસની કોટડીએ જવા કરતાં જગજીવનદાસ શેઠને ત્યાં જવું તેણે વધારે પસંદ કર્યું. બળેલી નોટો લઈને કિશોર સહુથી પહેલો જગજીવનદાસને ત્યાં જ રાત્રે ગયો હોવો જોઈએ એમ તેણે માની લીધું. કિશોરની રાત્રિની પ્રવૃત્તિ એ પ્રસંગ પછી જ બનેલી હોવી જોઈએ એમ પણ તેણે માની લીધું.

આગળ વધેલા પ્રભાતમાં જગજીવનદાસ શેઠ પોતાના બંગલામાં