આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨ઃ ત્રિશંકુ
 

જ નથી. હવે ધીમે ધીમે સરકારી અમલદારોને પણ ફજેત. કરવા લાગ્યો છે. આવી જવા દો એને ! કહો તો અમે બહાર બેસીએ.’ પોલીસ અમલદારે શેઠસાહેબને કહ્યું.

'ના રે ના. આપણે કોનો ડર છે ? ભલે ને સાક્ષાત્ ઈશ્વર ઉપરથી ઊતરી આવે ! આપણે તો જે બન્યું છે એ જ હકીકત. લખાવવાના !...ચાનાસ્તો આવે છે, સાહેબ ! જોતજોતામાં.'

એટલામાં જ પરવાનગી પામેલો દર્શન શેઠસાહેબના ખંડમાં આવ્યો. સરલા પણ એની સાથે જ હતી. એને હજી કોઈ ઓળખતું ન હતું એટલે એ અજાણી સ્ત્રીને દર્શન સાથે આવેલી જોઈને સહુને જરા આશ્ચર્ય પણ થયું.

'ઓહો આવો દર્શનભાઈ ! બેસો. અત્યારમાં આટલા વહેલા ક્યાંથી ?' શેઠસાહેબે કહ્યું. દર્શને બેસતાં બેસતાં કહ્યું :

'આપ જાણો જ છો ને, શેઠસાહેબ ! કંઈ બનાવ બને તેની જાહેરાત, આપતાં પહેલાં અમારે સાચી હકીકત જાણી લેવી જ જોઈએ. નહિ તો કોઈને અન્યાય થાય.' દર્શને જગજીવનદાસ તથા પોલીસ અમલદાર બની સામે જોઈ કહ્યું. સરલા પણ દર્શન પાસેની ખુરશી ઉપર બેસી ગઈ હતી.

'અરે, હા રે, ભાઈ ! ન્યાયની મને બધી ખબર છે. પણ આ સાથમાં કોને લાવ્યા છો, દર્શનભાઈ !' જગજીવનદાસે પૂછ્યું.

'એ કિશોરભાઈનાં પત્ની.' દર્શને જવાબ આપ્યો. જગજીવનદાસ અને પોલીસ અમલદાર બન્ને જરા ચમક્યા. શેઠસાહેબની પાસે દયા માગવાનું નવું નાટક શરૂ થવાનું છે એમ જગજીવનદાસ તેમ જ પોલીસ અમલદારે ધારી લીધું. અને એ નાટક આગળ ન ચાલે એવી માનસિક દૃઢતા પણ જગજીવનદાસે ધારણ કરી.

'એમ ?... એમને કેમ આવવું પડ્યું ? આ ઘડીએ ?... ગુનો તો નોંધાઈ ગયો છે. અને કિશોર પણ પકડાઈ ગયો છે... હવે હું કાંઈ કરી શકું એમ નથી... અહીં મારો જવાબ લેવાઈ જાય એટલે આ પોલીસ અમલદાર સાહેબ કિશોરને ત્યાં જ જવાના હતા.' સાહેબે જરા લાંબું ભાષણ કરી પોતાની પરિસ્થિતિ સ્પષ્ટ કરી.

‘આપનાથી જે થાય તે ખરું. ન થાય તે કરવાનું નથી જ. પણ આ સરલાબહેન બહુ મહત્ત્વના કામે તમને મળવા આવ્યાં છે.' દર્શને કહ્યું.

'જે કામ હોય તે અહીં જ કહી દો ને ?' શેઠે કહ્યું.

કિશોરભાઈ લઈ ગયા હતા એ રકમ પાછી આપવા એમનાં પત્ની