આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવી દુનિયા અને નવા દોસ્તોઃ ૧૪૯
 


‘શા માટે ચોરી કરી ?' ન્યાયાધીશે પૂછ્યું.

'પૈસા માગી જોયા, એ માટે વિનંતી કરી જોઈ, મારી જાતને વેચવા સુધીની મેં તૈયારી બતાવી, છતાં કોઈ પૈસાવાળાએ મને જોઈતી રકમ આપી નહિ. એટલે ચોરી સિવાય પૈસા મેળવવાનો અને બીજો માર્ગ જડ્યો નહિ.' કિશોરે કહ્યું

'તે તમારે પૈસાની આવી જરૂર કેમ પડી?'

મને સોંપાયલા પૈસા નોટના સ્વરૂપમાં હતા. સગડીમાં મેં કાગળ બાળ્યો એ જોઈને મારા અણસમજણા પુત્રે મારી આંખ બીજી બાજુએ ફરતાં નોટનો ચોડો અગ્નિમાં નાખી દીધો. રાત્રે અને રાત્રે મેં મારા શેઠ પાસે જઈ હકીકત કહી અને ચોવીસ કલાક થોભી જવાની દયા માગી ને જે સમયમાં કદાચ હું રકમ ભેગી કરી પાછી આપી દેત. પરંતુ એટલી મુદત મારા શેઠે મને ન આપી અને મને પોલીસમાં પકડાવી દેવાની તજવીજ કરી. મારે મારું ઋણ ફેડવું જ હતું, ચોરી સિવાય ઋણ ફેડવાનો બીજો માર્ગ મને ન જડ્યો એટલે મેં ચોરી કરી.' કિશોરે પોતાની હકીકત, ન્યાયાધીશની સાથે ભેગી થયેલી જનતાને પણ કહી સંભળાવી.

'પરંતુ પુરાવો તો એમ પડે છે કે જગમોહનદાસના પૈસા તેમને બીજી જ સવારે મળી ગયા છે.'

'પરંતુ એની મને ખબર ન હતી. એટલી ખાતરી હોત તો હું ચોરી કરવા પ્રેરાત જ નહિ. અપાઈ ગયેલા પૈસા આપવાની મારામાં મેં શક્તિ જોઈ નહિ એટલે શર્ત જીતેલા શેઠના ઘરમાં હું ગયો અને મેં પૈસા ઝડપી લીધા - મારે જરૂર હતી એટલા જ પૈસા મેં લીધા, વધારાના એ શેઠસાહેબને મેં પાછા આપી દીધા છે. જે સત્ય જુગારી શેઠસાહેબ કહી શકશે.' કિશોરકાને કહ્યું.

'ગમે તેમ કહો, પણ એ ચોરી તો ખરી જ ને ? અને ચોરી એ ગુનો છે એ તમારા જેવા ભણેલાગણેલા માણસ ન જાણે એમ હું માનતો નથી.’

'જરૂર કરતાં વધારે પૈસો સંગ્રહી રાખનાર, જુગાર રમી એ પૈસાને વધારનાર, જીવનની જરૂરિયાતોના પ્રાણ સરખા પૈસાને એકહથ્થુ કરી હજારો અને લાખો માનવબંધુઓને ભૂખે મારનાર, ગમે તે વ્યક્તિનું બિનજરૂરી ધન લેવામાં - ખૂંચવી લેવામાં - ચોરી થતી હોય તો તે સહુને કરવા દેવી જોઈએ.’

‘કિશોરકાન્ત ! મને ખબર નહિ કે તમે આવા જલદ વિચારો ધરાવતા હશો. પરંતુ એ બધાએ સિદ્ધાંતો તમારી કોઈ સભામાં જાઓ ત્યારે બોલજો.